ભાવનગર માં મહિલાને વર્કફ્રોમ હોમ દ્વારા સારી કમાણી થશે તેવી લાલચ આપી ભેજાબાજ શખ્સ વેબસાઇટ પર રેટિંગ અપવાનું જણાવી શરૂઆતમાં નાની રકમ કમિશન પેટે આપી પાછળથી અલગ અલગ ચાર્જીસના બહાને રૂા. 15 લાખથી વધુની રકમ મેળવી લઇ છેતરપિંડી કરી હોવાનો બનાવ બનવા પામેલ છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં રહેતા ઉર્વીબહેન પંડ્યાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અજાણ્યા શખ્સ તેમને ટેલીગ્રામ પર મેસેજ કર્યો હતો કે તમે વર્કફ્રોમ હોમ અને પાર્ટ ટાઇમ જોબ કરવા માગો છો ? આ શખ્સ તેનું નામ અશોક હોવાનું જણાવ્યું હતું.
ઉર્વીબહેનને કામની જરૂર હોય તેમણે રિપ્લાઇ આપતા આ શખ્સ જણાવ્યું હતું કે, તમારે અલગ અલગ પ્રોડક્ટને રેટિંગ આપવાનું છે અને તેના બદલામાં તમને કમીશન મળશે.આ શખ્સ ત્યાર બાદ શોપીફ્રાઇ અને અન્ય અધિકૃત વેબસાઇટ મોકલી હતી કહ્યું હતું કે, આ તમારી વબસાઇટ છે. એક વેબસાઇટમાં આરોપીએ ઉર્વીબહેનનું એકાઉન્ટ પણ બનાવવામાં હોય તેમને ભરોસો બેઠો હતો.
ત્યાર બાદ ઉર્વીબહેનને રેટિંગના ઓર્ડર આપવામાં આવતાં હતા અને શરૂઆતમાં કમીશન પેટે તેમને નાની રકમ પણ ચૂકવવામાં આવતી હતી. પાછળથી રેટિંગ ઓર્ડરના ટાસ્કની રકમ વધારી અન્ય વેબ પરથી પણ ટાસ્ક આપવાનું શરૂ કરાયું હતું અને અલગ અલગ ચાર્જીસની માંગણી થતાં ઉર્વીબહેને તેમના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂા.15,16,922ની રકમ ટ્રાન્સફર કરી હતી. જો કે, પાછળથી ભેજાબાજ શમ્સે લાખોની રકમ મેળવી લઇ છેતરપિંડી કરી હોવાની જાણ થતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.