જૂનાગઢ : અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે ભવનાથમાં આવેલા દામોદરકુંડમાં ભાવિકોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. અધિક મહિનાનું હિન્દુ સંસ્કૃતિમાં ખુબ મહત્વ છે અને જૂનાગઢના દામોદર કુંડમાં પિતૃ તર્પણનું પણ ખાસ મહાત્મય રહેલું છે. જૂનાગઢના દામોદર કુંડ ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભક્તોની ભીડ ઉમટી રહી છે. દેશભરના અલગ અલગ રાજ્યમાંથી લોકો અહીં દામોદર કુંડ સ્નાન કરવા આવી રહ્યાં છે.
ભવનાથમાં છેલ્લા ત્રણ દિવસથી ભાવિકો ઉમટી રહ્યા છે અને હાલ મીની વેકેશનનો માહોલ પણ છે. તેથી ભવનાથમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. ભવનાથમાં આવતા લોકોની સંખ્યા બે ગણી થઇ ગઇ છે.સોમનાથમાં વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હજુ અમાસના દિવસે વહેલી સવારથી જ બહારના રાજ્ય તથા જિલ્લાઓમાંથી લોકો દામોદર કુંડમાં સ્નાન કરવા માટે આવશે.
ભવનાથમાં પ્રવેશતા જ પાજનાકા પુલ પાસેથી વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. લોકોને વાહન ઉભું રાખવાની જગ્યા મળતી નથી. તેમજ હજુ ભક્તોની ભીડમાં વધારો થશે. ભાવિકોનાં પ્રવાહને લઇ તંત્રએ તૈયારીઓ કરી છે.
દામોદર કુંડમાં ભારે ભીડમાં પિતૃ તર્પણ સમયે વાલીઓએ ખાસ પોતાના બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. ગઇકાલે દામોદરકુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત થયું હતું.