રાજકોટઃ GTPL કંપનીમાં લાઇઝનીંગ ઓફિસર તરીકે છેલ્લા આઠ માસથી ફરજ બજાવનારા શક્તિસિંહ ઝાલા (ઉવ.30) દ્વારા કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરનારા મૌલિક ભગલાણી વિરુદ્ધ કંપનીના ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે મૌલિક ભગલાણી વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 468, 471, 406, 420 હેઠળ 1,61,564 રૂપિયાની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, આરોપી GTPL કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હતો. કંપનીના કસ્ટમરનો પ્લાન પૂર્ણ થતા પૂર્વે આરોપી ટેલીફોનિક સંપર્ક કરતો હતો. તેમજ કંપનીની બધી વાત કરી પ્લાન સમજાવી કસ્ટમરને વિશ્વાસમાં લઈ પોતાના તેમજ અન્ય વ્યક્તિના બેંક એકાઉન્ટ નંબર આપી તેમાં પ્લાનના નાણાં જમા કરાવવાનું કહેતો હતો. પ્લાન નાણાં જમા થઈ જતા કંપનીના નામે ખોટી રસીદ બનાવી ગ્રાહકોને આપી દેતો હતો.
સમગ્ર મામલાની જાણ કંપનીને ગ્રાહકોના માધ્યમથી થતા ગ્રાહકોના રૂપિયા આરોપી પાસેથી પરત અપાવી તેને કંપનીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો. જે તે સમયે સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકમાં અરજી પણ આપવામાં આવી હતી.
જોકે છેલ્લા પાંચ માસથી અમારી કંપનીના કસ્ટમર ઓફિસે રૂબરૂ આવી મૌખિક રજૂઆત કરી હતી કે, GTPLનો પ્લાન અપડેટ કરાવ્યો હોવા છતાં તેમનો પ્લાન અપડેટ થયો નથી. જેથી સમગ્ર મામલે તપાસ કરતા મૌલિક ભગલાણી દ્વારા અગાઉ પકડાયો હોવા છતાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપી કેટલા સમયમાં ઝડપાય છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. તો સાથે જ આરોપી ઝડપાયા બાદ વધુ કેટલાક ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવે છે કે કેમ તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે.