
કોઇમ્બતુર,તમિલ અને તેલુગુ અભિનેતા સત્યરાજ ’બાહુબલી’માં કટપ્પાની ભૂમિકા માટે જાણીતા છે. સત્યરાજની માતાનું ૧૧ ઓગસ્ટે ૯૪ વર્ષની વયે અવસાન થયું હતું. અંતિમ સંસ્કાર તેમના વતન કોઈમ્બતુરમાં કરવામાં આવ્યા છે માતાના નિધનના સમાચાર સાંભળીને તેણે શૂટિંગ બંધ કરી દીધું છે. પીઢ અભિનેતા હૈદરાબાદમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર ઘણા લોકો સત્યરાજની માતાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. કમલ હાસન, ઉધયનિધિ સ્ટાલિન અને અન્ય સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા પર અભિનેતાની માતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કમલ હાસન સત્યરાજની માતાના નિધન પર શોક વ્યક્ત કરનાર પ્રથમ સેલિબ્રિટી હતા. અભિનેતાએ ટ્વિટર પર લખ્યું, ’મિત્ર સત્યરાજની માતાના નિધન વિશે સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું છે, તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના છે.’
સત્યરાજે ફિલ્મ ’વિલાધી વિલન’થી ડિરેક્શનની દુનિયામાં પગ મૂક્યો હતો. તેણે ગાયક તરીકે પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. સત્યરાજને ’બાહુબલી’માં કટપ્પાના રોલ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. સત્યરાજે પોતાના કરિયરમાં અત્યાર સુધી ૨૪૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે પોતાના કરિયરની શરૂઆત વિલનની ભૂમિકાથી કરી હતી.