
- બ્રિટને હવે ભારતની ચિંતાઓનું ધ્યાન રાખતા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ સામે કડક પગલાં ભરવાનું આશ્ર્વાસન આપ્યું છે.
નવીદિલ્હી, ભારત વિરુદ્ધ ઝેર ફૂંકનારા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ હવે બ્રિટનમાં સારું નહીં રહે. ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ બ્રિટનમાં ભારતીય દૂતાવાસને ઘણી વખત નિશાન બનાવ્યું છે. આ સાથે તેઓ અવારનવાર વિરોધ પ્રદર્શન અને અન્ય ષડયંત્રો કરે છે. પરંતુ હવે આવું કરનારા ખાલિસ્તાની ઉગ્રવાદીઓ બ્રિટિશ સરકારના નિશાના પર આવી ગયા છે. ભારતની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, યુકે સરકારે તેમને નિયંત્રિત કરવા માટે એક અલગ ફંડ બનાવ્યું છે.
બ્રિટનના સુરક્ષા મંત્રી ટોમ તુગેન્ધાતે ’ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ’નો સામનો કરવા માટે તેમના દેશની ક્ષમતા વધારવા માટે ૯૫૦૦૦ પાઉન્ડ (લગભગ એક કરોડ રૂપિયા)ના નવા ફંડની જાહેરાત કરી છે. બ્રિટિશ હાઈ કમિશને તુગેન્ધાતની ત્રણ દિવસીય ભારત યાત્રાના અવસર પર એક નિવેદનમાં આ માહિતી આપી છે. તેમની યાત્રા ગુરુવારથી શરૂ થઈ છે. યુકેમાં ખાલિસ્તાન તરફી તત્વોની પ્રવૃતિઓમાં વધારાને લઈને ભારતમાં વધી રહેલી ચિંતાઓ વચ્ચે નવા ફંડની જાહેરાત કરવામાં આવી છે.
સુરક્ષા-સંબંધિત પહેલો પર દ્વિપક્ષીય સહયોગ વધારવા અને G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી સ્તરીય બેઠકમાં હાજરી આપવા માટે તુગેન્ધાત ભારતમાં છે. ગુરુવારે નવી દિલ્હીમાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની બેઠક દરમિયાન, તુગેન્ધાતે ખાલિસ્તાન તરફી ઉગ્રવાદનો સામનો કરવા માટે બ્રિટનની ક્ષમતા વધારવા માટે નવા ભંડોળની જાહેરાત કરી, હાઈ કમિશને જણાવ્યું હતું. તેમાં ઉમેર્યું હતું કે ફ્ર૯૫,૦૦૦નું રોકાણ ખાલિસ્તાન તરફી ઉગ્રવાદ દ્વારા ઊભા થયેલા ખતરા અંગે સરકારની સમજને વધારશે અને સંયુક્ત ઉગ્રવાદ ટાસ્કફોર્સ દ્વારા યુકે અને ભારત વચ્ચે પહેલેથી જ ચાલી રહેલા સંયુક્ત કાર્યને પૂરક બનાવશે. તુગેન્ધતે જણાવ્યું હતું કે, “ભારત અને યુકે વચ્ચેનો જીવંત પુલ અમારી ઊંડી અને કાયમી મિત્રતાને પ્રતિબિંબિત કરે છે.
વિશ્ર્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી તરીકે, અમારી પાસે વિશ્ર્વને સુરક્ષિત અને વધુ સમૃદ્ધ સ્થાન બનાવવા માટે ઘણી વહેંચાયેલ તકો છે. અમારા બંને દેશો વચ્ચેની ગાઢ ભાગીદારીનો અર્થ એ છે કે અમે બંનેનો સામનો કરી રહેલા સુરક્ષા જોખમોનો વધુ અસરકારક રીતે સામનો કરી શકીએ છીએ, તેમણે કહ્યું. હું ઉગ્રવાદના તમામ સ્વરૂપો સામે અમારી સમજણ અને ક્ષમતાઓને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છું. મંત્રીએ કહ્યું કે તેઓ ભારતની અધ્યક્ષતામાં G-૨૦ ભ્રષ્ટાચાર વિરોધી બેઠકમાં ભાગ લઈને ખુશ છે. તેમણે કહ્યું, “ભ્રષ્ટાચાર આપણી સમૃદ્ધિ, આપણા સમાજને નુક્સાન પહોંચાડે છે અને આપણી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે.
શનિવારે જી૨૦ મીટિંગ માટે કોલકાતા જતા પહેલા, તુગેન્ધત સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનના મુખ્યાલયની મુલાકાત લેવાના છે જ્યાં તે બાળ જાતીય શોષણ અને સતામણી અને છેતરપિંડી દ્વારા ઊભા થયેલા સંયુક્ત પડકારો અંગે ચર્ચા કરશે. હાઈ કમિશને કહ્યું કે તુગેન્ધત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને પણ મળશે.