દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં કાપડી ફાટક ફળિયામાં જાહેરમાં રમાતા શ્રાવણીયા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે 10 પૈકી 7 જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 51,240 તેમજ 06 મોબાઈલ ફોન, એક ફોર વ્હીલર ગાડી અને એક ટુ વ્હીલર મોપેડ ગાડી ગાડી મળી કુલ રૂા.3,37,240નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં જુગાર ધામનું એપી સેન્ટર ગણાતા દેવગઢ બારીઆ તાલુકામાં હાલ શ્રાવણ માસ ચાલે છે ત્યારે શ્રાવણ માસમાં જુગારીઓ વધુ સક્રિય બની ગયાં છે. દેવગઢ બારીઆ નગર સહિત તાલુકામાં ઠેક ઠેકાણે પોલીસ તંત્રની નજરો રહેમ હેઠળ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. અગાઉ પણ ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગની સેલની ટીમ દ્વારા દેવગઢ બારીઆ તાલુકામાં કેટલાંક જુગારના અડ્ડાઓ ઉપર ધામા નાંખી લાખ્ખોનો જુગાર ઝડપી પાડ્યો હતો ત્યારે સફાળે જાગેલ સ્થાનીક પોલીસ તંત્ર દ્વારા ગતરોજ દેવગઢ બારીઆના કાપડી ફાટક ફળિયામાં રમાતા જાહેરમાં રમાતા જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. ગંજી પત્તાના પાના વડે પૈસાથી હારજીતનો જુગાર રમી રહેલા સૌરભભાઈ રાજુભાઈ રાઠવા, ચેતનભાઈ કોદરભાઈ વરીયા, દિપકભાઈ મોતીભાઈ રાઠવા, અક્ષયભાઈ ઉર્ફે સન્ની સુરેશભાઈ રાઠવા, જાગીરભાઈ રામસીંગભાઈ નાયકા, શાબીરભાઈ રામસીંગભાઈ નાયકા અને ઈસ્માઈલભાઈ રસુલભાઈ ભીખાને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી પોલીસે રોકડા રૂપીયા 51,240 તેમજ 06 નંગ. મોભાઈલ ફોન કિંમત રૂા.66,000, એક ફોર વ્હીલર ગાડી કિંમત રૂા.2,00,000 અને એક ટુ વ્હીલર મોપેડ ગાડી કિંમત રૂા.20,000 વિગેરે મળી પોલીસે કુલ રૂા.3,37,240નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે સલીમભાઈ રસુલભાઈ રાઠવા, ફારૂકભાઈ રસુલભાઈ બક્સાવાળા અને ઈબ્રાહીમભાઈ અબ્દુલભાઈ પીંજારા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા હતાં.
દેવગઢ બારીઆ પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેવગઢ બારીઆ નગર તેમજ તાલુકામાં ઠેકઠેકાણે જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. દેવગઢ બારીઆ તાલુકો જુગારનું એપી સેન્ટર બની રહેવા પામ્યું છે. દેવગઢ બારીઆ તાલુકામાં જુગાર રમવા માટે, દાહોદ, પંચમહાલ, મહિસાગર જિલ્લાના ઘણા જુગારીઓ દેવગઢ બારીઆમાં જુગાર રમવા આવતાં હોય છે ત્યારે ઉપરોક્ત ઝડપાયેલ જુગારનો અડ્ડો ચલાવનાર ઈસ્માઈલભાઈ રસુલભાઈ ભીખાનાઓનો પોતાના અંગ લાભ માટે બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું છે. દેવગઢ બારીઆ તાલુકામાં આવા ઘણા ઠેકાણાઓ છે જ્યાં બહાર ગામથી લોકો જુગાર રમવા આવતાં હોય છે. ઘણા ઠેકાણા તો પોલીસની નજરો સમક્ષ હોવા છતાંય પોલીસ તંત્ર દ્વારા નજર અંદાજ કરતાં હોવાના છડેચોક આક્ષેપો થઈ રહ્યાં છે ત્યારે અન્ય જુગારના અડ્ડાઓ ઉપર પણ પોલીસ આવા છાપા મારી જુગારીઓને જેલ ભેગા કરે તે અત્યંત જરૂરી છે.