
- શહેરના વિવિધ વિસ્તારોમાં ખાડામાં ભરેલા પાણી, ઉભરાતી ગટરો તેમજ ગંદકીથી રોગચાળાની ભરમાર.
- શહેરમાં પાણીજન્ય રોગોનો વધારો, ડેન્ગ્યુ તેમજ વાયરલ જન્ય રોગોએ માઝા મૂકી.
- ઘેર ઘેર માંદગીના ખાટલા, નગરવાસીઓને સુવિધા પ્રાપ્ત કરવામાં પાલિકાના સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા.
દાહોદ,દાહોદને સ્માર્ટ સિટીમાં સામેલ કર્યા બાદ આધુનિક ટેકનોલોજી તેમજ ભૌતિક સુવિધાથી સંપન્ન સ્માર્ટ સિટી બનવાના સપના દેખનાર દાહોદ વાસીઓ માટે સ્માર્ટ સિટી એક કલ્પના બની જવા પામી છે. શહેરમાં 24 કલાક ટ્રાફિક થી ધમધમતા રાજમાર્ગો સ્ટેશન રોડ યાદગાર ચોક પ્રાયોજના વહીવટદારની કચેરી, ચાકલીયા રોડ, તેમજ ગોદી રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. તેમાં એક તરફ રસ્તા વચ્ચે પડેલા ખાડાઓમાં વરસાદી પાણી તેમજ ખદબદતા ગંદકીના ઢગલાના પગલે પાણીજન્ય તેમજ ડેન્ગ્યુ જેવા રોગો એ પણ માઝા મૂકી છે. તાજેતરમાં ડેન્ગ્યુના 23 જેટલા કેસો નોંધવા પામ્યા છે. દાહોદની પ્રજાને સુવિધા યુક્ત માર્ગો તેમજ સ્વચ્છતા આપવામાં નગરપાલિકાનું ટૂંકો પડ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે. ચોમાસાની ઋતુમાં પડેલા ખાડાઓમાં પાલિકાએ માટી મેટલ તો નાખી છે પરંતુ યોગ્ય રીતે લેવલિંગ ન કરતા શહેરના માર્ગો ઉબડખાબડ જોવા મળી રહ્યા છે તેના પગલે એક તરફ વાહન ચાલકોને હાલાકી રો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ આ માર્ગો ઉપર ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. સ્માર્ટ સિટીમાં નગરપાલિકા જો લાભાર્થી હોય, સ્માર્ટ સિટીના કામોગ પ્રગતિ પર હોય ત્યારે આવી પરિસ્થિતિમાં પ્રાથમિક સુવિધાઓ પ્રાપ્ત કરવામાં હાલાકી ભોગવનાર દાહોદવાસીઓ દોષ આપશે એક મોટો સવાલ છે. દાહોદ નગરપાલિકા શહેરના ઉબડખાબડ રસ્તાઓનું યોગ્ય રીતે લેવલિંગ કરે અને દાહોદના રાજમાર્ગો ઉપર ફેલાતી ગંદકીને દૂર કરે તો ઘણી બધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે તેમાં કોઈ બેમત નથી.