- સુપ્રીમ કોર્ટે અતીકની બહેન આયેશા નૂરીની અરજી પર પણ નોટિસ જારી કરીને યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો.
નવીદિલ્હી, યુપીમાં ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા મામલે સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ૨૦૧૭થી અત્યાર સુધીમાં ૧૮૩ એન્કાઉન્ટર ની વિગતો આપવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે યુપી સરકારને પૂછ્યું છે કે એન્કાઉન્ટર પર નજર રાખવાની સિસ્ટમ શું છે? શું એન્કાઉન્ટર માં એનએચઆરસી અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શકાનું પાલન કરવામાં આવ્યું હતું? આ તમામ સવાલોના જવાબો સાથે યુપી સરકાર પાસેથી ચાર સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અતીકની બહેન આયેશા નૂરીની અરજી પર પણ નોટિસ જારી કરીને યુપી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
આજની સુનાવણી દરમિયાન જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટે કહ્યું કે યુપી સરકારે આ ૧૮૩ કેસોમાં ટ્રાયલ વગેરેની વિગતો આપવી જોઈએ. અમે અહીં તપાસ કરવા નથી આવ્યા, પરંતુ અમે જાણવા માગીએ છીએ કે, શું કોઈ વ્યવસ્થા છે? આ કેમ થઈ રહ્યું છે ? જેલમાં ઘટનાઓ કેમ બની રહી છે તે ચિંતાનો વિષય છે. ન્યાયિક કસ્ટડીમાં પણ ઘટનાઓ બની રહી છે. માત્ર યુપીમાં જ નહીં દેશના અન્ય રાજ્યોમાં પણ પોલીસની અંદર કેટલાક તત્વો છે. અહીં બે વ્યક્તિઓને પોલીસે ઘેરી લીધા, છતાં આવું થયું, કેવી રીતે ખાતરી આપશે.
છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે હાલમાં તપાસ કરી રહ્યા છીએ કે શું આમાં સિસ્ટમની ખામી છે? સુપ્રીમ કોર્ટે અરર્જીક્તાઓને યુપી સરકારના એફિડેવિટનો જવાબ આપવા માટે સમય આપ્યો હતો. વાસ્તવમાં ઉત્તર પ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. વિશાલ તિવારીની અરજી પર દાખલ કરાયેલી સ્ટેટસ રિપોર્ટમાં હત્યાની કોર્ટ દ્વારા દેખરેખ હેઠળ તપાસની માંગ કરવામાં આવી હતી, યુપી સરકાર કહે છે કે અતીક અને અશરફ કુખ્યાત ગુનેગારો હતા. અતીક પર ૧૦૦થી વધુ ગુનાહિત કેસ હતા. બે ગેંગસ્ટરોની હત્યામાં અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જસ્ટિસ અરવિંદ કુમારના નેતૃત્વમાં પાંચ સભ્યોના ન્યાયિક પંચની રચના કરવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. આ ઘટનાની તપાસ માટે પણ રચના કરી છે.
આ કેસમાં ૩૪ પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે અતીક અહેમદના હત્યારાઓએ બંને ગેંગસ્ટર ભાઈઓની રેકી કરી હતી. મીડિયાની આડમાં ૯ થી ૧૦ સેકન્ડમાં પણ આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. ઘટનાસ્થળે હાજર અધિકારીઓ સામે ખાતાકીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ કરવા માટે પંચનો સમય ત્રણ મહિના લંબાવવામાં આવ્યો છે.
એફિડેવિટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર સુરક્ષામાં ખામીની તપાસ કરી રહી છે, જેમાં કોઈ ક્સર બાકી નથી. કોતવાલી પોલીસ સ્ટેશનમાં હથિયાર કારકુન સામે વિશ્ર્વાસભંગના ગુનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. રાજ્યભરમાં પોલીસ સુધારણા અને આધુનિકીકરણના પગલાં ચાલી રહ્યા છે. ગુનેગારો સરળતાથી ભાગી ન જાય તે માટે તેમને હાથકડી લગાડવાની સૂચના જારી કરવામાં આવી છે.સુપ્રિમ કોર્ટ સોમવારે આ મામલે સુનાવણી કરશે.