સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગ અંતર્ગત આવતા જંતુનાશક વિભાગના અધિકારી અને કર્મચારીઓ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે. કર્મચારીઓના મતે અધિકારીઓ મનસ્વી વર્તન કરી રહ્યા છે. જેના કારણે કર્મચારીઓ માનસિક રીતે વધુ હેરાન થઈ રહ્યા છે. ખોટા-ખોટા મેમો આપીને કર્મચારીઓને પરેશાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાના આક્ષેપો પણ થઈ રહ્યાં છે.
જંતુનાશક વિભાગના કર્મચારીઓને ચોમાસા દરમિયાન અલગ અલગ કામગીરી સોંપવામાં તો આવે છે, પરંતુ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કલેકટર કચેરી તરફથી BLOની કામગીરી પણ આપવામાં આવતી હોય છે. રવિવારના દિવસે નિયત થયેલી કામગીરી મુજબ કર્મચારીઓ BLOની કામગીરી કરવા ગયા હોવાથી જંતુનાશક વિભાગના અધિકારીએ વિગત જાણ્યા વગર જ 26 જેટલા કર્મચારીઓની એક સાથે નોટિસ ફટકારી દીધી છે. જેનો વિરોધ કતારગામ ઝોન ખાતે કર્મચારીઓએ કર્યો હતો.
પ્રાઇમરી હેલ્થ સુપરવાઇઝર પાર્થિવ દેસાઈએ જણાવ્યું હતું કે, જંતુનાશક અધિકારી જયેશ પરમાર દ્વારા ખોટી રીતે અમને નોટિસ પાઠવવામાં આવી હતી. તેમણે કોઈપણ પ્રકારની વિગત જાણવાનો પ્રયાસ કર્યો નથી. પોતાના બાપની પેઢી હોય તે રીતે તેઓ વર્તન કરી રહ્યા છે. બીએલઓની કામગીરી દર વખતે કરીએ છે. અધિકારીઓએ અમને પરિપત્ર આપવો જોઈએ કે ચોમાસા દરમિયાન જંતુનાશક વિભાગના હેલ્થ સુપરવાઇઝર આરોગ્યલક્ષી કામગીરીમાં વ્યસ્ત હોવાથી કામગીરી કરી શકે નહીં. કલેકટર ઓફિસમાંથી જ્યારે અમને આ કામગીરી સોંપવામાં આવતી હોય છે, એટલે અમે આ કામગીરી કરી છે. મૌખિકમાં અમે તેમને ના પાડી શકતા નથી. જો અધિકારીઓ લેખિતમાં અમને પરિપત્ર આપે તો એ પરિપત્ર ત્યાં કલેકટર ઓફિસમાં રજૂ કરીએ તો શક્ય બને કે અમે બીએલઓની કામગીરીથી થોડા સમય માટે અળગા રહીએ. પરંતુ એવું કરવાને બદલે અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
જંતુનાશક અધિકારી જયેશ પરમારે જણાવ્યું હતું કે, તેઓ રવિવારે કામગીરી દરમિયાન હાજર રહ્યા ન હોવાને કારણે તેમને નોટિસ ફટકારવામાં આવી હતી. જો કે, એમના રજૂઆત બાદ આ મુદ્દો શોટઆઉટ કરી લેવાયો છે અને તેમને સંતોષકારક જવાબ આપી દેવાયો છે.
જ્યારે તેમને પૂછ્યું કે, તમે તમારા ઉપપ્રિય અધિકારીને આ બાબતે જાણ કરી હતી? તો તેમણે કહ્યું કે. હા ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ જ મેં નોટિસ ફટકારી છે. જો કે, સાચી હકીકત એ છે કે જંતુનાશક વિભાગના ઉપરી અધિકારી સાથે થયેલી વાતચીત મુજબ જયેશ પરમારે તેમને કોઈ પણ પ્રકારની જાણ નહોતી કરી કે તેઓ હેલ્થ સુપરવાઇઝરોને નોટિસ આપી રહ્યા છે.