મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર (પ) ગામે ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્ર્મ યોજાયો

  • ગોધર પશ્ર્વિમ ગ્રામ પંચાયત ખાતે શિલાફલકમનું અનાવરણ, ગ્રામજનોએ લીધા પંચ પ્રણ.
  • નિવૃત્ત સુરક્ષા જવાનોના હસ્તે ધ્વજારોહણ અને વૃક્ષારોપણ કરાયું.

લુણાવાડા, આઝાદીના અમૃત મહોત્સવ પર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે. ત્યારે મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના ગોધર પશ્ર્વિમ ગામે ગામના સરપંચ હિરેન્દ્રસિહ વિરપરાની ઉપસ્થિતિમાં નિવૃત્ત સુરક્ષા જવાનોના સન્માન સાથે મેરી માટી, મેરા દેશ કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો.

આજના આ સમારોહમાં આપણા સાચા હીરો એવા નિવૃત્ત સુરક્ષા જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સરદારભાઈ બારીયા, ભૂપેન્દ્રસિંહ વિરપરાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં ઉપસ્થિત સૌએ હાથમાં માટી તેમજ માટીના દિવા રાખીને પંચ પ્રાણની પ્રતિજ્ઞા લીધી હતી.

ગોધર ગ્રામ પંચાયત ખાતે નિર્મિત સુરક્ષા વિરોની સ્મૃતિમાં શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવો સહિત ઉપસ્થિત યુવાનો અને ગ્રામજનો દ્વારા શિલાફલકમ સાથે સેલ્ફી લીધી હતી તથા ઉપસ્થિત મહાનુભાવો તેમજ ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

ગામની પ્રાથમિક શાળાના પ્રાંગણમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિવૃત સુરક્ષા જવાનોના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ ઉપસ્થિત સહુએ રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી અર્પી હતી.

આ પ્રસંગે ગામના અગ્રણી એમ.એન.પટેલ, બી.બી. વિરપરા, તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.