દાહોદ, દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના મેથાણ ગામે એક એસ.ટી. બસ અકસ્માતે રસ્તાની બાજુમાં ખાબકી પડતાં બસમાં સવાર 41 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. સદ્નસીબેન આ માર્ગ અકસ્માતમાં કોઈ પ્રકારની જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો ત્યારે જાણવા મળ્યાં અનુસાર, સામેથી આવતી પુરપાટ એક ટ્રકના ચાલકના કારણે બસના ચાલકે બસમાં સવાર પેસેન્જરોને બચાવવાના પ્રયાસો વચ્ચે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો ત્યારે ઘટના પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.
સંજેલી તાલુકાના મેથાણ ગામે મંડેર ઘાટા વિસ્તારમાં સીંગલ પટ્ટી રસ્તો છે. હાલ જ્યારે વરસાદી માહૌલ હોઈ અને રસ્તાની બાજુમાં ચીકળી માટેના કારણે કાદવ કીચડ પણ ફરી વળ્યાં છે. આવા સમયે આજરોજ એક એસ.ટી. બસ અકસ્માતે રસ્તાની બાજુમાં ખાબકી પડતાં બસમાં સવાર અંદાજે 41 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. બસ રસ્તાની બાજુમાં ખાબકી પડતાં બસમાં સવાર મુસાફરોમાં બુમાબુમ મચી જવા પામી હતી. બસ ખાબકતાની સાથેજ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. સ્થાનીકો દ્વારા બસમાં ફસાયેલા મુસાફરોને હેમખેમ બસની બહાર કાઠ્યાં હતાં ત્યારે બીજી તરફ જાણવા મળ્યાં અનુસાર, સામેથી એક ટ્રક પુરપાટ દોડી આવી રહી હતી. તે સમયે સીંગલ પટ્ટી રસ્તો હોવાને કારણે મુસાફરોના જીવ બચાવવામાં બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બસ રસ્તાની સાઈડમાં ખાબકી પડી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો, તો બીજી તરફ આ ઘટનાની જાણ સંબંધિત એસ.ટી. વિભાગને કરવામાં આવતાં એસ.ટી. વિભાગના અધિકારીઓથી લઈ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. ઘટનાને પગલે આ માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતાં પરંતુ થોડીવારમાં ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવતાં પુન: રસ્તો શરૂં કરી દેવામાં આવ્યો હતો.