નવીદિલ્હી, ઓગસ્ટ મહિનો ક્રાંતિનો મહિનો ગણવામાં આવે છે. કેમકે, વિશ્ર્વના અનેક આંદોલનો આ જ મહિનામાં થયેલા છે. ૮ ઓગસ્ટ ૧૯૪૨ના અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના બોમ્બે અધિવેશનમાં ‘ભારત છોડો આંદોલન’નો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩નો ઓગસ્ટ મહિનો કોઇ ક્રાંતિને કારણે યાદ રાખવામાં આવશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. પરંતુ વિવિધ ખગોળીય ઘટનાને કારણે ચોક્કસ યાદ રહેશે. આ પૈકીની કેટલીક ઘટનાઓ એવી છે જે વર્ષો બાદ એક વાર જોવા મળતી હોય છે.
ધોળે દિવસે પડછાયો તમારો સાથ છોડી દે તો? આ વાત માન્યામાં આવે તેમ નથી પણ હકીક્ત છે. આ ઘટના ત્યારે થાય છે જ્યારે સૂર્ય આપણી ધરતીની બરાબર ઉપર આવી જાય છે. આ કારણે કોઇ પણ વસ્તુનો પડછાયો બનતો નથી. ખગોળશાસ્ત્રીઓના મતે આ ઘટના આપણા દેશમાં એવા સ્થળો કે શહેરોમાં બને છે જે કર્ક અને મકર રેખાની વચ્ચે આવે છે. ભારતમાંથી સૌપ્રથમ કૌટિલ્ય દ્વારા આ ખગોળીય ઘટનાનો અભ્યાસ કર્યાનું કહેવાય છે. એકવાર સૂર્ય ઉત્તર તરફ આગળ વધે અને બીજીવાર સૂર્ય દક્ષિણ તરફ જાય ત્યારે એમ વર્ષમાં બે વાર ઝીરો શેડો ડેની ઘટના બનતી હોય છે.
૨૭ ઓગસ્ટનો દિવસ વિશેષ રહેશે. આ દિવસે આકાશમાં નરી આંખો દ્વારા શનિ ગ્રહ અને શનિ રિંગને જોઇ શકાશે. આ દિવસે શનિ ગ્રહ સૂર્યથી વિપરિત દિશામાં અને પૃથ્વીથી ખૂબ જ નજીક હશે. જેના કારણે આ ખગોળીય દ્રશ્યના સાક્ષી બની શકાશે. આ દુર્લભ ખગોળીય ઘટના છે અને તે વર્ષોમાં માંડ એકવાર જોવા મળતી હોય છે.