દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પહેલા ખાલિસ્તાની સમર્થક-આઇએસઆઇ હુમલાની ફિરાકમાં, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

નવીદિલ્હી, સ્વતંત્રતા દિવસને આડે ગણતરીના દિવસો બાકી છે. આગામી ૧૫ મી ઓગષ્ટના રોજ દિલ્હી સહિત દેશભરમાં સ્વંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશવાસીઓ આઝાદીના રંગમાં રંગાશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ખાલિસ્તાની સમર્થક આતંકી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇની સાથે મળીને દિલ્હી-એનસીઆરમાં મોટો આતંકવાદી હુમલો કરી શકે છે. જેના પગલે આઝાદીના પર્વને લઈ રાજધાની દિલ્હીમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ સિક્યોરિટી એજન્સી ઈન્ટેલિજન્સ બ્યુરોએ દિલ્હી પોલીસ સહિત એનસીઆરના તમામ પોલીસ વડાઓને એલર્ટ જારી કરીને તેમને સંપૂર્ણ સતર્ક રહેવા અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવા સૂચના આપી છે. એલર્ટ મળ્યા બાદ પોલીસ કમિશનર સંજય અરોડાએ પોલીસ હેડક્વાર્ટર ખાતે તમામ ટોચના અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. રાજધાનીમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, ખાલિસ્તાની સમર્થકો સુરક્ષામાં ખલેલ પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરી શકે છે. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસે દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે. સંરક્ષણ અને ગૃહ મંત્રાલયો પણ રાજધાનીની સુરક્ષા પર સતત નજર રાખી રહ્યા છે. તમામ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને પણ સંપૂર્ણ રીતે એલર્ટ કરી દેવામાં આવી છે. બહારથી આવતા દરેક શંકાસ્પદ કોલને ઈન્ટરસેપ્ટ કરવામાં આવી રહ્યા છે.

સ્પેશિયલ સેલ અને સ્પેશિયલ બ્રાન્ચે પોતાની ઈન્ટેલિજન્સ સિસ્ટમ સક્રિય કરી છે. સ્પેશિયલ સેલના એક વરિષ્ઠ અધિકારીએ એલર્ટ જારી કર્યું હોવાની પૃષ્ટિ કરી છે. સેલે કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા એજન્સીઓ અને દિલ્હી પોલીસે ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધિઓ પર કાબૂ મેળવવા માટે સકંજો કસ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી લાલકિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. પરિણામે લાલ કિલ્લાની આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.