રાજકોટમાં વધુ એક કૌભાંડ: ભાવના સ્ટિકરો લગાવીને સરકારી દવાઓ વેચાતી હતી ?

રાજકોટ: સરકારી અનાજના જથ્થા બાદ સરકારી દવાનું કૌભાંડ થયાનું સામે આવ્યુ છે. રાજકોટમાં GMSCLના ગોડાઉનમાંથી દવાઓનો જંગી જથ્થો મળી આવ્યો છે. સરકારી દવાઓ પર ભાવના સ્ટિકર લગાવીને બારોબાર વેચાતા હોવાની આશંકા સેવાઇ રહી છે. આ શંકાસ્પદ કૌભાંડ અંગેની તપાસ કરવા માટે ગાંધીનગરની ટીમ રાજકોટમાં પહોંચી.

આ ટીમ બુધવાર સાંજથી રાજકોટ GMSCL વેર હાઉસમાં તપાસ કરી રહી હોવાનું સામે આવ્યુ છે. હાલ અહીંના બે કર્મચારી ઇન્દ્રજીત સોલંકી, અજય પરમાર ગેરહાજર છે. જેના કારણે આ શંકા વધુ ઘેરી બની છે.

ગાંધીનગરથી આવેલા અધિકારીએ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમારી ટીમ ગાંધીનગરથી આવી છે. અહીં તપાસ ચાલી રહી છે. આ અંગે તપાસ પૂર્ણ કરી જે અહેવાલ આવશે તે અમે વડી કચેરીને સૂપર્ત કરીશું જે બાદ તમને પણ જણાવવામા આવશે. અમે ગઇકાલથી આ સિસ્ટમ ફ્રિઝ કરી દીધી છે એટલે કોઇ દવા આવશે નહીં કે બહાર જશે નહીં.

આ કૌભાંડમાં જેની પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે પ્રતિક રાણપરાએ આ અંગેનું નિવેદન પણ આપ્યુ છે. જે અંગે તેણે જણાવ્યુ છે કે, તેના પર લાગેલા આક્ષેપો સદંતર ખોટા છે. તે છ વર્ષથી વેરહાઉસમાં કામ કરી રહ્યો છે. 20 જેટલા લોકોનો સ્ટાફ આ વેરહાઉસમાં કામ કરી રહ્યો છે. ખોટો આરોપ છે કદાચ અમને ફસાવવાનો ટ્રાય કરી રહ્યા છે. અહીં કોઇપણ જાતનું કૌભાંડ થતુ નથી કે પહેલા પણ અહીં કોઇ કૌભાંડ થતો ન હતો. આ અંગેનો રિપોર્ટ અમે અધિકારીઓને આપી દીધો છે. તે લોકો જ તમને આગળનો જવાબ આપશે.

આ અંગે એક વ્યક્તિએ જણાવ્યુ કે, આ કામના અમને 500થી 250 રૂપિયા આપતા હતા. અમારે આ કામ રોજ ન થતુ. આ પહેલા બે વાર આ કામ કર્યુ છે. બેથી ચાર બોક્સ પર સ્ટિકર લગાવતા હતા. અમે એમઆરપી પર સ્ટિકર લગાવતા હતા.આ કૌભાંડમાં જેમના નામ સપાટી પર આવી રહ્યા છે તેવા બે કર્મચારીઓ ઇન્દ્રજીત સોલંકી અને અજય પરમાર ગેરહાજર છે.આ બંનેની પ્રતિક રાણપરા સાથે સાઠગાંઠનો આક્ષેપ પણ લગવાવામાં આવ્યા છે.