વ્યાજખોરોના ત્રાસથી કંટાળી મહેસાણાના વડનગરનો યુવક ગાયબ

ગુજરાતમાં હજુ પણ વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોવાના ભૂતકાળમાં અનેક બનાવો બની ચૂક્યા છે. ત્યારે મહેસાણાના વડનગરમાં વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી વડનગરમાં રહેતો અને દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો યુવક ચિઠ્ઠી લખીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહીને ઘરેથી ગુમ થઈ ગયો છે. ‘I AM QUIT’ સાથે ચિઠ્ઠી લખી યુવક ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ બંને દોડતા થયા છે. 

મળતી માહિતી અનુસાર, મહેસાણાના વડનગરમાં રહેતો હેમંત પ્રજાપતિ નામનો યુવક દરજી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. બે દિવસ અગાઉ યુવક દુકાને જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. જોકે, મોડે સુધી યુવક ઘરે ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન દુકાન પણ બંધ જોવા મળી હતી. 2 દિવસ સુધી શોધખોળ કરવા છતાં તેનો કોઈ અત્તોપત્તો ન મળતા પરિવારજનોએ દુકાન ખોલી હતી. 

દુકાનમાંથી ‘I AM QUIT’ લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં લખેલું હતું કે, ‘હું હેમંત પ્રજાપતિ વ્યાજખોરોના ત્રાસથી કંટાઈને આત્મહત્યા કરવા જઈ રહ્યો છું, હાલ હું કોઈનું નામ નથી લખતો બે દિવસની અંદર બધાના નામ સાથે કાગળ કવર દ્વારા પોલીસ સ્ટેશનમાં પહોંચી જશે.’

તો ચિઠ્ઠીમાં વધુમાં લખવામાં આવ્યું હતું કે, ‘મહેરબાની કરીને મારી ફેમીલીને કોઈએ હેરાન કરવી નહી, બધાના નામ, નંબર સાથે પોલીસ સ્ટેશનમાં કવર પહોંચી જશે. મારી બોડી મળે પછી વીમાના પૈસા પાસ થાય એટલે બધાને આપવા. મમ્મી પપ્પા મને માફ કરજો, ભાઈ-ભાઈ મને માફ કરજો, પ્રિયંકા, દિયા માફ કરજો. માનસી, ખુશી તમારા કાકાને માફ કરજો.’ 

દુકાનમાંથી ચિઠ્ઠી મળી આવ્યા બાદ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. પરિવારજનો દ્વારા આ મામલે પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ દ્વારા યુવકની શોખધોળ હાથ ધરવામાં આવી છે.