ખેડૂત આગેવાનને લાફા ઝીંકી દેવાની બાબતે ઉઠ્યો જુવાળ, દિયોદરથી ગાંધીનગર સુધીની પદયાત્રા

બનાસકાંઠાઃ દિયોદરમાં ધારાસભ્યની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને લાફો ઝીંકી દેવાની ઘટનામાં હવે લોકોમાં ભારે જુવાળ ઉઠી રહ્યો છે. હવે આ મુદ્દે ખેડૂતો દ્વારા રેલી યોજવામાં આવી રહી છે. દિયોદરથી ગાંધીનગર સુધીની 8 દિવસની પદયાત્રા યોજવાનો નિર્ણય ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. દિયોદરમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ખેડૂતને લાફો મારી દેવામાં આવ્યો હતો. ખેડૂત આગેવાને એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે કેશાજીના ઈશારે જ તેમના સમર્થક દ્વારા મને લાફો મારવામાં આવ્યો હતો.

લાફાકાંડમાં બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા 18મી ઓગસ્ટના રોજ ગાંધીનગર પહોંચશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માગણી સાથે ખેડૂતો દ્વારા પદયાત્રા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેશાજીના સમર્થક દ્વારા અમરાભાઈને લાફો મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

લાફાકાંડનો ભોગ બનેલા ખેડૂત અમરાભાઈ ચૌધરીએ આ ઘટના બાદ રજૂઆત કરીને જણાવ્યું હતું કે, તેઓ રાજકારણ નથી કરી રહ્યા પરંતુ અટલ ભૂજલ યોજના અંતર્ગત ખેડૂતોને મેસેજ મળ્યો હતો તે અંતર્ગત અમે તેમને મળવા માટે બોલાવ્યા હતા, અમે કોઈ રાજકારણ કરી રહ્યા નથી. જ્યારે ખેડૂતોની બેઠક યોજાઈ હતી અને તેમાં ભાજપના ધારાસભ્ય કેશાજી હાજર હતા. બેઠક દરમિયાન પણ ખેડૂત આગેવાન અમરાભાઈને અટકાવવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

કાર્યક્રમ પૂર્ણ થયા પછી અમરાભાઈ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર અરજણભાઈ ઠાકોર નામના શખ્સે તેમને લાફો ઝીંકી દીધો હતો. જે ઘટના બાદ ખેડૂતો દ્વારા વિચારણા કરીને આ મામલે ગાંધીનગર સુધી રજૂઆત કરવાનો મૂડ બનાવવામાં આવ્યો છે. ખેડૂતો પોતાની સાથે બની રહેલી ઘટના અંગેની રજૂઆત કરવા માટે ગાંધીનગર સુધી પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો છે.