
નવીદિલ્હી, મહિલા અને સિંગલ પુરુષ કર્મચારીઓ એક મહત્વનો લાભ લઈ શકે છે. કેન્દ્ર સરકારના આજના એલાન બાદ આ વાતની ખબર પડી છે. કેન્દ્રીય કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આજે લોક્સભામાં જણાવ્યું હતું કે, મહિલા અને સિંગલ પુરુષ સરકારી કર્મચારીઓ ૭૩૦ દિવસની ચાઈલ્ડ કેર લીવ માટે પાત્ર છે.
મંત્રીએ કહ્યું કે સનદી સેવાઓ પર નિયુક્ત મહિલા અને સિંગલ પુરુષ સરકારી કર્મચારીઓ, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (લીવ) રૂલ્સ, ૪૩ના નિયમ ૧૯૭૨-સી હેઠળ ૧૮ વર્ષ સુધીની ઉંમરના બે સૌથી મોટા હયાત બાળકોની સંભાળ લેવા માટે અને વયમર્યાદા ન હોય તેવી સંપૂર્ણ સેવા દરમિયાન વધુમાં વધુ ૭૩૦ દિવસ માટે ચાઈલ્ડ કેર લીવ (સીસીએલ) માટે પાત્ર છે.
મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે કહ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિની ઉંમરમાં ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે આવા કોઈ બિલને રજૂ કરવા માટે વાતચીત ચાલી રહી નથી. તે ઉપરાંત સેવા નિયમોની વિવિધ જોગવાઈઓ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં ૧૨૨ સરકારી અધિકારીઓને ફરજિયાતપણે નિવૃત્ત કરવામાં આવ્યા છે.