
સોલાપુર, વંચિત બહુજન અઘાડીના વડા અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે આવતા વર્ષે યોજાનારી લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી આગામી ચૂંટણી બાદ વડાપ્રધાન તરીકે પાછા ફરવાના નથી.
પ્રકાશ આંબેડકરે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર આરોપ લગાવ્યો કે તેઓ માત્ર હિન્દુ-મુસ્લિમમાં ભાગલા પાડવા માંગે છે. તેમને લાગે છે કે આમ કરીને તેઓ આગામી ચૂંટણી જીતી શકે છે. મહારાષ્ટ્રના સોલાપુરમાં સંબોધન દરમિયાન આંબેડકરે કહ્યું કે ભાજપ અને આરએસએસનો એકમાત્ર એજન્ડા દેશમાં રમખાણો ભડકાવવાનો છે.
રાજ્યસભા અને લોક્સભાના સાંસદ રહી ચૂકેલા પ્રકાશ આંબેડકરે કહ્યું કે તેઓ નથી જાણતા કે આવતા વર્ષે ચૂંટણી બાદ સરકાર કોણ બનાવશે, પરંતુ ૨૦૨૪માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. તેમના મતે, પીએમ મોદી ચોક્કસપણે ત્રીજી વખત વડાપ્રધાન નહીં બને, ભાજપના ૧૦ વર્ષના ડરના શાસન પછી આખરે દેશમાં શાંતિ રહેશે.
આંબેડકરે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપની કહેવાતી લવ-જેહાદ દેશભરમાં રમખાણો ભડકાવી રહી છે અને બિન-ધામક લગ્ન કરનારા પરિવારોને પણ પરેશાન કરી રહી છે. તેમણે કહ્યું કે કર્ણાટકની હાર ભાજપ પચાવી શકી નથી. તેમની પાસે કોઈ નક્કર મુદ્દો નથી, તેથી આવા સંવેદનશીલ મુદ્દાઓ ભારતમાં રમખાણો ભડકાવવાનું કામ કરે છે.
વીબીએના વડા પ્રકાશ આંબેડકર ઉદ્ધવ ઠાકરેના શિવસેના જૂથ સાથે ગઠબંધનમાં છે. કોંગ્રેસથી તેના અંતરને કારણે, તે હજુ સુધી મહારાષ્ટ્રમાં NCP ગઠબંધનનો ભાગ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૨૦૧૯ની લોક્સભા ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એઆઇએમઆઇએમ સાથે વીબીએના ગઠબંધનના કારણે દલિત અને મુસ્લિમ મતોનું વિભાજન થયું હતું. જેના કારણે કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટીને નુક્સાન થયું છે, તેથી તેઓ તેમને ગઠબંધનનો ભાગ નથી બનાવી રહ્યા.