જમ્મુ-કાશ્મીર: શોપિયાનમાં સુરક્ષા દળોના હાથે ત્રણ આતંકી ઠાર, એક આતંકી જીવતો પકડાયો

અલબદ્ર ત્રાસવાદી જુથ મોટાપાયે આતંકી પેરવી કરનાર હોવાની બાતમીના પગલે સુરક્ષા દળોએ કામ પાર પાડ્યું

જમ્મુ-કાશ્મીરના શોપિયાન જિલ્લામાં કનીગામ વિસ્તારમાં નવું રચાયેલું ત્રાસવાદી જુથ અલબદ્રના આતંકીઓ મોટાપાયે ભાંગફોડની પ્રવૃતિ કરવાના હોવાની બાતમીના આધારે જમ્મુ-કાશ્મીર પોલીસે બાતમીવાળા સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરતા એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ શરણે થવાની પોલીસની સુચનાનું ઉલ્લંઘન કરીને આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે કલાકની જહેમત બાદ ત્રણને ઠાર કર્યા હતા.

પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે, અલબદ્ર નામનું નવું રચાયેલુ ત્રાસવાદી જુથના કેટલાંક આતંકીઓ શોપિયાન વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળી હતી અને કની ગામમાં લોકેશન મળતા સુરક્ષા દળો અને પોલીસે તાત્કાલીક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પ્રથમ તો યુવાનોને શરણે થઈ જવા સમજાવ્યા હતા પરંતુ આતંકીઓએ કોઈપણ કારણ વગર ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું અને આ એન્કાઉન્ટરમાં ત્રણ ઠાર કરાયા હતા અને એક તોસીફ અહેમદ નામના નવા બનેલા આતંકીને જીવતો પકડી લેવામાં પોલીસને સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે.

ત્રાસવાદની અન્ય ઘટનામાં છત્તીસગઢના કોરીડા ગાવમાં સ્થાનિક માઓવાદીઓએ મલના વિસ્તારમાં ભારે ટ્રાફિકવાળા રસ્તા પર ટીફીન બોમ્બ તરીકે ગોઠવેલા બોમ્બની માહિતી મળતા પોલીસ અને બોમ્બ ડિસ્પોજલ ટીમે ઘટના સ્થળે જઈ ટીફીનમાં ગોઠવેલ એલઈડીને ડિસ્પોજ કરી દીધું હતું.