વિશ્ર્વ આદિવાસી દિવસ અને મેરી મિટ્ટી મેરા દેશની ઉજવણી નિમિત્તે યાદ કરીએ માનગઢના આ ઈતિહાસને

  • આદિવાસી વિસ્તારનુ અનેરૂ દેશપ્રેમ અને આદિવાસી બહાદુરીનું પ્રતિક એવું તિર્થધામ માનગઢ.

મહીસાગર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીકંદરામાં વસેલુ માનગઢધામ અનુપમ ઐતિહાસિક ગૌરવવંતું પવિત્ર સ્થળ ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજારોની સંખ્યામાં બ્રિટીશરો ભૂરેટીયાઓના દમન-શોષણને વશ નહી થતા નિર્મમ હત્યા કરી જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતા વધારે ભયંકર બર્બરતા વ્હોરી તા.17-11-1913 ના રોજ શહાદત થયેલા 1507 આદિવાસીઓ આજેપણ યાદ આવ્યા વિના કોઇને રહેતા નથી. ભીલોના ભેરૂ અને આદિવાસીઓના ગુરૂ ગોવિંદ અને માનગઢ સૌના મનમાં વસ્યા વિના રહેતા નથી.

માનગઢના ઇતિહાસને ઢંઢોળતા- અંગ્રેજોની બર્બરતા અને ભીલોનો ભરોસો અને ગુરૂ ગોવિંદનું ગામઠી જીવન સાદુજીવન છતા પરાક્રમી, જેલવાસ, કષ્ટ અને કટિબધ્ધતા સત્યનો સાથ સ્વાતંત્ર્યની ચાહના સાથે આદિવાસી સમાજમાં જાગૃતતા લાવવા માટે સંપસભાના નામે ભગત આંદોલન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વિસ્તારમાં જન આંદોલન થઇ ગુરૂ વાણીના રૂપમાં સંતવાણી સતસંગના સથવારે પહાડી પ્રદેશમાં પ્રકાશની જેમ પથરાઇ ચૂક્યુ છે. માનગઢ ક્રાંતિના પ્રણેતા એવા શ્રી ગોવિંદ ગુરૂ અને આદિવાસીઓની યાદમાં દર વર્ષે ભરાતો માગશર સુદ પુનમનો મેળો માનગઢ ખાતે ભરાય છે.

આદીવાસીઓમાં એક કહેવત છે કે, પીયરમાં ગયેલી સ્ત્રી અને ડુંગરે ચડેલો ભીલ ક્યારે પાછો આવે તે નક્કી નહી મતલબમાં જલદી પાછો આવતો નથી અને મન પડે તેટલો સમય રહે છે. અહીં આવતા ભક્તો સંતો સાધુઓ પણ આદિવાસી સમાજના હોય છે. રાજસ્થાન-ગુજરાત સરકારે આ સ્થળે હવે રોડ રસ્તા પ્રદર્શન કક્ષ તથા હોલની વ્યવસ્થા તેમજ કિર્તી સ્થળ સ્થાપિત કર્યું છેઅને ગુરૂ ગોવિંદની યાદમાં ગુરૂ ગોવિંદ સ્મૃતિ વન અને ગુરૂ ગોવિંદની પૂર્ણ કદની પ્રતિમા તેમજ અંગ્રેજી હકુમતનુ ચિત્રાંકન કરી ઇતિહાસને દ્રશ્યના રૂપમાં અંકિત કરી આદિવાસીઓની શ્રધ્ધા અને આસ્થામાં એકવધારો કર્યો છે. જે આવકાર દાયક બાબત છે.