ફાઇઝરની 12થી 16 વર્ષના બાળકો માટેની રસીને આવતા સપ્તાહે મંજૂરીની શક્યતા

યુએસ ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) ૧૨ વર્ષ અને તેથી વધુ વય (૧૬થી નીચી વય)ના બાળકો માટે ફાઇઝરની કોરાનાની રસીને આગામી અઠવાડિયે મંજૂરી આપે તેવી શક્યતા છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલા વહીવટીતંત્રને એક અધિકારીએ આ માહિતી આપી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત અગાઉ રસીનો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ કરાય તેવી શક્યતા છે.

આ રસીના ડોઝ ૧૬ વર્ષ અને તેથી વધુ વયના યુવાઓ માટે અધિકૃત કરાયાના એક મહિના બાદ કંપનીને જાણવા મ‌ળ્યું કે તેનાથી યુવાઓને પણ રક્ષણ મળે છે. આમ હવે તે ટૂંકમાં જ આ અંગેની જાહેરાત કરે તેવી શક્યતા છે.
એફડીએના પગલાની સમીક્ષા માટે પોતાની ઓળખ જાહેર નહિ કરવાની શરતે એક અધિકારીએ ઉમેર્યું હતું કે સંસ્થા આગામી અઠવાડિયા અને કદાચ તે પહેલા પણ ફાઇઝરના બે ડોઝની રસીના તત્કાળ ઉપયોગની સત્તા આપે તેવી સંભાવના છે. આ પ્રક્રિયા સાથે સંકળાયેલી વ્યક્તિએ સમયમર્યાદાને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે એફડીએ વધુ નાના બાળકોને પણ ફાઇઝરની રસીને મંજૂરી આપશે. ૧૨થી ૧૬ વર્ષના બાળકોને રસીનો ડોઝ અપાય કે તે અંગેની ભલામણ કરવા માટે ફેડરસ વેક્સીન એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી. એ પછી આ પગલા અંગે નક્કી કરાયું છે.

સેન્ટર્સ ફોર ડિસીજ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન કમિટીની ભલામણ સ્વીકારે એ પછી જ ડોઝ શરૂ કરી શકાશે. આ પગલું આગામી થોડાક દિવસમાં જ પૂર્ણ થઇ શકશે. ઉલ્લેખનીય છે કે ફાઇઝરે ૧૨થી ૧૫ વર્ષના ૨,૨૬૦ જેટલા સ્વયંસેવકો પર રસીનો અભ્યાસ કરીને માર્ચમાં પ્રાથમિક પરિણામો જાહેર કર્યા હતા. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જેમને રસી મળી ગઇ છે તેવા કોઇ પણ બાળકને કોરોના થયો નથી.

જોકે આ બાળકોને પણ યુવા સગીરોની જેમ જ સાઇડ ઇફેક્ટ્સ થઇ હતી. જેમાં દુખાવા, તાવ અને થાકનો સમાવેશ થતો હતો. ખાસકરીને બીજા ડોઝ વખતે આ અહેસાસ વધુપડતો થયો હતો. જોકે કંપની લાંબાગાળાના રક્ષણ અને સલામતી માટે બે વર્ષ સુધી અભ્યાસ ચાલુ રાખશે અને તેના તારણ મુજબ જરૂરી સુધારા કરશે.

ઓછી વયના બાળકો માટે રસીની મંજૂરી માગી રહી હોય તેવી ફાઇઝર જ એકમાત્ર કંપની નથી. મોડર્નની રસી પણ આવતા મહિના સુધી બજારમાં આવી શકે તેમ છે.