- શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી એ ઊંજડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું તેમને લાગતા જીલ્લા પંચાયત અને જીલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારના રોજ તેમના સમર્થકો ને સાથે રાખીને આવેદનપત્ર પાઠવ્યું હતુ. એજ દિવસે તેમના વિરૂદ્ધ માં પોલીસ મથક ખાતે નોધાઇ ફરીયાદ.
- જાનથી મારી નાખવાની ધમકી અને કલ્પેશ વણકર ને તલવાર મારતા 307સહિત વિવિધ કલમ હેઠળ ગુનો પોલીસે નોંધ્યો.
- પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જે. બી.સોલંકી સહિત કુલ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.
શહેરા, શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી સહિત અન્ય 3 ઈસમો વિરૂદ્ધ એક્ટ્રોસિટી અને મારામારીનો સહિતની વિવિધ કલમ હેઠળ પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો. ઊંજડા ગામના વ્યક્તિને માથાના ભાગે તલવાર મારવા તેમજ જાતિ વિષયક શબ્દો બોલવા સહિત માર મારવાનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરાયો છે. પોલીસે ફરિયાદ નોંધાતાની સાથે જે. બી.સોલંકી સહિત કુલ ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.
શહેરા તાલુકાના ઊંજડા ગામના રહેવાસી કલ્પેશ વિરાભાઈ વણકર અને તેમનો મિત્ર મહેશભાઈ ભોઈ સોમવારની સવારમાં ગામમાં આવેલા લૂંટણીયા કુવા પાસે ખેતર આગળ ઉભા હતા અને ફરિયાદી કલ્પેશ ખેતરમાં ઢોરો માટે ચારો લેવા ગયા હતા. તે દરમિયાનમાં 10.25 વાગ્યે વલ્લભપુરના રહેવાસી અને શહેરા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જે.બી. સોલંકી એક સફેદ રંગની ગાડી માંથી તલવાર સાથે ઉતરી સૌપ્રથમ કલ્પેશભાઈને જાતિવિષયક અપમાનિત કરી બહુ ચરબી ચડી ગઈ હું તારા ગામની માહિતી માંગુ છું, તેમાં તારે શું જોવાનું તેમ કહી જાતિવિષયક અપશબ્દ બોલી હાથમાં રહેલી તલવાર માથામાં જાનથી મારી નાખવાના ઈરાદે ઝાટકો મારેલો અને બચવા ખસવા જતા છતાં તલવાર માથામાં વાગી હતી. બીજી તરફ કલ્પેશ સાથે તેનો મિત્ર મહેશ હતો બંને જણાએ બૂમાબૂમ કરતા જે.બી. સોલંકી સાથે આવેલા ઉપેન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી, શક્તિસિંહ હિમ્મતસિંહ સોલંકી અને મેહુલસિંહ દિપસિંહ સોલંકી નામના ઈસમો ફરી એક વખત જાતિવિષયક અપશબ્દ અને બિભત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને બૂમાબૂમ કરતા ચારે જણા ત્યાંથી સફેદ રંગની ગાડીમાં ભાગી છૂટ્યા હતા અને જતા જતા જે.બી. સોલંકીએ કલ્પેશને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ તરફ કલ્પેશ લોહીલુહાણ અવસ્થામાં જમીન પર પડ્યો હતો. ત્યારે બનાવની જાણ ઊંજડા ગામના સરપંચ દિલીપ મહેરાને કરતા તેઓ ખાનગી ગાડી લઈ ત્યાં આવેલા અને સૌપ્રથમ શહેરા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શહેરા પોલીસને ઘટનાની જાણ થતાં કલ્પેશ વણકરની ફરિયાદ આધારે એક્ટ્રોસિટી એકટ મુજબનો ગુન્હો નોંધી જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જે.બી.સોલંકી સહિત અન્ય 2 ઈસમો નામે ઉપેન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી અને શક્તિસિંહ હિમ્મતસિંહ સોલંકી ને હસ્તગત કરી કોવિડ-19ની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી એ ઊંજડા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું તેમને લાગતા જીલ્લા પંચાયત અને જીલ્લા કલેકટર કચેરી ખાતે સોમવારના રોજ તેમના સમર્થકોને સાથે રાખીને આવેદનપત્ર પાઠવ્યું હતું. બીજી તરફ પોલીસ મથક ખાતે ઊંજડા ગામના કલ્પેશ વણકર નામના વ્યક્તિએ જે.બી.સોલંકી સહિત અન્ય ત્રણ ઈસમો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા જે.બી.સોલંકી સહિત અન્ય બે વ્યક્તિઓને પકડી પાડયા હતા. જે.બી.સોલંકી જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર તેમજ અન્ય મુદ્દાને લઈને તંત્રને રજૂઆત કરતા હોય ત્યારે તેમની સામે કોઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાતી હોવાનું બનતું હોય છે.
શહેરા તાલુકા પંચાયત ના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી સામે ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી અને કલ્પેશ વણકરને તલવાર મારતા 307 સહિત વિવિધ કલમ હેઠળ ગુનો પોલીસે નોંધ્યો હતો. પોલીસ દ્વારા જે.બી.સોલંકી સહિતના ઈસમોને પકડી પાડવા વિવિધ ટીમો બનાવીને તેના ઘરે વલ્લભપુર પણ પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા આ બનેલા બનાવની એટલી બધી ગંભીરતા લીધી હતી. જેથી આરોપીને કલાકોમાં પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જોકે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ બનેલા બનાવની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ખરી હકીકત બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે.