નૂંહમાં આપ નેતા જાવેદ અહેમદ સામે હત્યાનો કેસ નોંધાયો

હરિયાણાના નૂહ સહિતના વિસ્તારોમાં હિંસાના મામલામાં હરિયાણા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. પોલીસે આમ આદમી પાર્ટીના નેતા જાવેદ અહેમદ વિરુદ્ધ હત્યાનો કેસ પણ નોંધ્યો છે. તેમની સામે બજરંગ દળના કાર્યકરની હત્યાનો આરોપ મુકાયો છે. દરમિયાનમાં, હરિયાણાની મનોહર લાલ ખટ્ટરની સરકારે 700 થી વધુ રહેણાંકો, દુકાનો અને ઝૂંપડાઓ તોડીને ગુનેગારો સામે આકરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બજરંગ દળના કાર્યકર્તા પ્રદીપ શર્મા પર 31 જુલાઈના રોજ કોમી હિંસા દરમિયાન સોહનામાં હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં આ મુદ્દે નૂહમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા પછીથી રાજ્યના અન્ય ઘણા રાજ્યોમાં ફેલાઈ ગઈ હતી. દરમિયાનમાં, જાવેદ અહેમદને પ્રદીપની હત્યા કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. પ્રદીપની હત્યા થઈ ત્યારે બજરંગ દળના કાર્યકર પવન કુમાર પણ ત્યાં હતા. પવને 2 ઓગસ્ટે આ સંબંધમાં પોલીસમાં FIR નોંધાવી હતી. 

FIRમાં પવને માહિતી આપી છે કે પ્રદીપ અને પવનને નૂંહના નલ્હડ મંદિરમાંથી બચાવીને નૂંહ પોલીસ લાઈનમાં લાવવામાં આવ્યા હતા. અહીંથી રાત્રે 10.30 કલાકે તેઓ ત્રણ વાહનોમાં ઘરે જવા નીકળ્યા હતા, જેને પોલીસ વાન પણ એસ્કોર્ટ કરી રહી હતી. સોહના પોલીસ કર્મચારીઓએ વચમાં કહ્યું કે આગળનો રસ્તો સાફ છે અને પોલીસ વાન અધવચ્ચેથી પાછી વળી હતી. પોલીસ વાન નીકળી કે તરત જ એક સ્કોર્પિયો કારે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. પવન કુમારે દાવો કર્યો હતો કે 10.30 વાગ્યે જ્યારે તે નૂહથી પરત ફરી રહ્યો હતો ત્યારે જાવેદે તેનું વાહન બળજબરીથી અટકાવ્યું હતું.

કુમારે પોતાની ફરિયાદમાં દાવો કર્યો હતો કે જાવેદના કહેવા પર લગભગ 25 થી 30 લોકોએ અમારા પર હુમલો કર્યો હતો. શર્માને માથામાં લોખંડના સળિયા વડે મારવામાં આવ્યો હતો અને તે નીચે પડી ગયો હતો. ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) સિદ્ધાંત જૈને જણાવ્યું હતું કે, હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની જલાભિષેક યાત્રા પર ટોળાએ હુમલો કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી, જે બાદમાં ગુરુગ્રામ અને પડોશી વિસ્તારોમાં ફેલાઈ હતી, જેમાં બે હોમગાર્ડ અને એક ઈમામ સહિત છ લોકોના મોત થયા હતા. આ મામલામાં હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે જણાવ્યું હતું કે અત્યાર સુધી પોલીસે કોમી રમખાણોના સંબંધમાં કુલ 216 લોકોની ધરપકડ કરી છે. અત્યાર સુધીમાં 80 લોકો પોલીસની કસ્ટડીમાં પહોંચ્યા છે.