દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને એક તરફ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે પોતાનું અભિયાન તેજ કર્યું છે, તો બીજી તરફ યોગી સરકાર પણ લોકસભાની ચૂંટણી પહેલા તેની યોજનાઓ અમલમાં મૂકવા કોશિશ કરી રહી છે.
લોકસભા ચૂંટણીની દૃષ્ટિએ આ વખતે અયોધ્યા ખૂબ જ ખાસ હશે, કારણ કે રામ મંદિરનું ઉદ્ઘાટન પણ જાન્યુઆરીમાં જ થવાનું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ દુર્ગા શંકર મિશ્રાએ અયોધ્યા જિલ્લા પ્રશાસનને 13 કિલોમીટર લાંબા રામ પથના પ્રથમ તબક્કાનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
તેમણે તમામ પ્રોજેકટ સમયમર્યાદામાં પૂર્ણ કરવા પણ નિર્દેશ આપ્યો છે. યોગીના ઉચ્ચ અધિકારીઓ 98 પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા માટે અયોધ્યામાં હતા. તેમની કિંમત 21,831 કરોડથી વધુ છે. સમીક્ષા બેઠકમાં મિશ્રાએ રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટની પ્રગતિ વિશે પૂછપરછ કરી હતી. રામ પથ માટે મુખ્ય સચિવે નયા ઘાટથી ઉદય ચૌરાહા સુધીનું કામ 31 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્ય સચિવે અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટની પ્રગતિ વિશે પણ પૂછપરછ કરી હતી. રામ કથા પાર્કમાં ગેસ્ટ હાઉસ અને હોટલના નિર્માણ માટે ઓળખવામાં આવેલી જમીનનું નિરીક્ષણ કર્યું. લાર્સન એન્ડ ટુબ્રોના અધિકારીઓ, જે પ્રોજેક્ટનું અમલીકરણ કરી રહ્યા છે, તેમણે મુખ્ય સચિવને જાણ કરી હતી કે તે પ્રીકાસ્ટ બાંધકામ સામગ્રીનો ઉપયોગ કરીને 35 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
આ ગેસ્ટ હાઉસ અને હોટલમાં ફાઈવ સ્ટાર સુવિધાઓ હશે. તેમણે ચૌધરી ચરણ સિંહ ઘાટનું પણ નિરીક્ષણ કર્યું જ્યાં ઘાટ બનાવવામાં આવી રહ્યો છે. આ પછી મિશ્રા ટેન્ટ સિટી પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા ગુપ્તર ઘાટ પહોંચ્યા. મુખ્ય સચિવે હોમ સ્ટે પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા મકાનમાલિકોને પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ, 160 ઘરો પસંદ કરવામાં આવ્યા છે જ્યાં પ્રવાસીઓ તેમની અયોધ્યાની મુલાકાત દરમિયાન રહી શકે છે.