મીની લોકડાઉન લંબાયું : હવે ગુજરાતના ૩૬ શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો થશે લાગુ, ૧ર મે સુધી થશે અમલવારી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે વધારાના નિયંત્રણો મૂકવાના મહત્વના નિર્ણયો કર્યા છે. રાજ્યમાં અગાઉ જે ૮ મહાનગરો સહિત ૨૯ શહેરોમાં રાત્રિના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ હતો તે ૨૯ શહેરો ઉપરાંત ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસા, રાધનપુર અને કડી તથા વિસનગર સહિત કુલ ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ રહેશે. આ ૩૬ શહેરોમાં તા. ૬ મે-૨૦૨૧ ગુરૂવારથી તા. ૧૨મી મે-૨૦૨૧ બુધવાર સુધી આ રાત્રી કરફયુના અમલ સહિત વધારાના નિયંત્રણો મૂકવાનો મુખ્યમંત્રી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે.

વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી આ કોર કમિટીમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અધિક મુખ્ય સચિવ ઓ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મનોજકુમાર દાસ, પોલિસ મહાનિર્દેશક આશિષ ભાટિયા અને વરિષ્ઠ સચિવો જોડાયા હતા. કોર કમિટીની આ બેઠકમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે અન્ય જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે મુજબ આ ૩૬ શહેરોમાં તા.૬ મે-ર૦ર૧ થી તા. ૧ર મે-ર૦ર૧ સુધીના સમયગાળા દરમિયાન આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ જ ચાલુ રાખવાના રાજ્ય સરકારે આદેશો કર્યા છે. COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક/ તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ ચાલુ રહેશે. મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં સામાન્ય જનજીવનને કોઈ તકલીફ ન પડે અને રાબેતા મુજબનું જીવન જળવાઈ રહે તે હેતુથી રાજ્ય સરકારે ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવાઓ ચાલુ રાખવાના આદેશો કર્યા છે. શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ માર્કેટ ચાલુ રહેશે. કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટની Take away facility આપતી સેવાઓ ચાલુ રહેશે.

મુખ્યમંત્રી એ રાજયમાં કોરોના સંક્રમણનો વધતો વ્યાપ અટકાવવા એવો પણ નિર્ણય કર્યો છે કે સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્શન સેવાઓ, બેંકોના ક્લીયરીંગ હાઉસ, એ.ટી.એમ/સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે.

મુખ્યમંત્રી એ ખાનગી ઓફિસોમાં પ૦ ટકાથી વધુ કર્મચારીઓની હાજરી ન હોય તે સુનિશ્ચિત કરવા તેમજ આવી ઓફિસોમાં ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન થાય તે જોવા માટે રાજ્યના જી.એસ.ટી. વિભાગને આવી ખાનગી ઓફિસોનું ચેકીંગ કરવાની સૂચના આપી છે.

આ નિયમોના ભંગ કે પાલન ન કરનારા ખાનગી એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના મુખ્યમંત્રી એ આપી છે. આ શહેરોમાં ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ, પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવાઓ ચાલુ રહેશે.

આ ૩૬ શહેરોમાં પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ યથાવત રહેશે.