છેલ્લા ૫૦ દિવસમાં જ સૌરાષ્ટ્રમાંથી ઝડપાયા ૭ આતંકીઓ, ૪૦ હજાર કરોડનું ડ્રગ્સ પણ જપ્ત.

  • નશાખોરીનું દૂષણ ગુજરાતને ભરડામાં લઈ રહ્યું છે. તો ગુજરાતમાંથી આતંકવાદીઓ પણ ઝડપાઈ રહ્યા છે.

રાજકોટ,
ગુજરાતમાં ડ્રગ્સના દૂષણ સાથે હવે આતંકીઓનો આતંક પણ સામે આવ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ૫૦ દિવસમાં ૭ આતંકીને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે છેલ્લા ૭ વર્ષમાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ૪૦ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. આંતકીઓ વિશે વાત કરીએ તો રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકીઓની ધરપકડ કરાયા પહેલા પોરબંદરમાંથી ત્રણ આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ આતંકીઓ સાથે સતત સંપર્કમાં રહેતી મહિલા આતંકીને પણ સુરતથી ઝડપી પાડવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાંથી છેલ્લા ૫૦ દિવસમાં જ ૭ આતંકીઓ ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત કરવાની જરૂર છે.

આ મામલે વિગતવાર વાત કરીએ તો ૯ જૂન ૨૦૨૩ના રોજ ગુજરાત એટીએસએ આતંકી મોડ્યુલરનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત છ્જીએ મોટું ઓપરેશન હાથ ધરીને આતંકી સંગઠન સાથે સંકળાયેલી એક મહિલા સહિત ૪ લોકોની ધરપકડ હતી. આમાં ત્રણ શખ્સોને પોરબંદરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામં આવી હતી. જે બાદ ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, કેટલાક લોકો પ્રતિબંધિત આતંકી સંગઠન આઇએસકેપી સાથે જોડાયેલા હોવાની માહિતી મળી હતી. જે બાદ તાત્કાલિક સુરત સિટી, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસની ટીમે સુરતથી સુમેરાબાનું નામની મહિલાની અટકાયત કરી હતી. તો પોરબંદરથી પણ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબલેટ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની તપાસ કરતા સામે આવ્યું છે કે આ શખ્સો આઇએસકેપી સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે, સુમેરાબાનુના ઘરેથી પણ કેટલીક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. જેનાથી એ સાબિત થાય છે કે તે પણ આઇએસકેપી સાથે સંકળાયેલી હતી. પોરબંદરથી ઉમેદ નાસિર (શ્રીનગર), મહોમ્મદ હાજીમ શાહ (શ્રીનગર), હનાન હયાત શોલ (શ્રીનગર)ની અટકાયત કરવામાં આવી છે, જ્યારે સુમેરાબાનુ મહોમ્મદ સૈયદ મલિકની સુરતથી અટકાયત કરવામાં આવી છે.

અત્યાર સુધીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ તમામ કોસ્ટલ એરીયામાંથી અફઘાનિસ્તાન અને ઈરાન જવાના હતા. આ તમામ આઇએસકેપીના મુખ્ય મોડ્યુલમાં ભળી જઈને તાલીમ લઈ અન્ય દેશમાં હુમલો કરવાના હતા, જેનો વીડિયો પણ તેઓએ બનાવેલો છે, તે મળી આવ્યો છે. ૈંજીૈંજીના વિવિધ ગ્રુપ છે. જેમાનું એક ગ્રુપ આઇએસકેપી છે, જે એક વિસ્તારના નામ પર બન્યું છે. પરંતુ આઈએસઆઈએસની સાથે એક જ છતની નીચે આવે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ સંગઠન પર પ્રતિબંધ છે, જેની સાથે અટકાયત કરવામાં આવેલા લોકો શામેલ હતા તેવું ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું.

ગુજરાત એટીએસની ટીમે સોમવારે (૩૧ જુલાઈ) રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. આ ત્રણેય છેલ્લા ૯ મહિનાથી રાજકોટ રહેતા હતા. આ તમામ સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને ૧૦ કારતુસ મળી આવ્યા હતા. આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ ત્રણેય બાંગ્લાદેશમાં બેઠેલા તેમના આકાના આદેશની રાહ જોઇ રહ્યા હતા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ત્રણ આતંકીઓ તેમના પાસે રહેલા હથિયારને ચલાવવાની ઓનલાઇન ટ્રેનિંગ પણ લેતા હતા. આતંકીઓ પાસે મળી આવેલા સેમિ ઓટોમેટિક હથિયારો કેવી રીતે ચલાવવા તેને લઇને આતંકીઓને તેમના આકાઓ ઓનલાઇન ટ્રેનિંગ આપતા હતા. જોકે ટ્રેનિંગ બાદ કોઇ આતંકી પ્રવૃત્તિને અંજામ આપવાનો આદેશ મળે તે પહેલા જ આતંકીઓને ઝડપી લેવાયા હતા.

ડ્રગ્સની વાત કરીએ તો છેલ્લા ૭ વર્ષમાં ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે અંદાજે ૪૦ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે. એક સમયે જમ્મુ કાશ્મીર અને પંજાબની સરહદથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવતું હતું. પરંતુ હવે ડ્રગ્સ-માફિયાઓએ ગુજરાતના દરિયાકાંઠા પર નજર માંડી છે. હવે ડ્રગ્સ-માફિયાઓ ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. ૨૦૧૬થી ૨૦૨૩ સુધીમાં એટલે કે ૭ વર્ષમાં ગુજરાતમાંથી લગભગ ૪૦ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં જ મુન્દ્રા પોર્ટ પરથી ૨૧ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા રાજ્ય સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે ગત મે મહિનામાં એટલે કે મે ૨૦૨૩માં જામનગરથી ૧૨ હજાર કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું ડ્રગ્સ ઝડપાયું હતું.

Don`t copy text!