દિલ્હી ભાજપની નવી ટીમની જાહેરાત, સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીને જવાબદારી મળી

નવીદિલ્હી, પાર્ટીએ દિલ્હી ભાજપ માટે નવી ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીને સચિવ પદની જવાબદારી સોંપવામાં આવી છે. બાંસુરી સહિત અનેક નવા ચહેરાઓને આ ટીમમાં સ્થાન મળ્યું છે. હર્ષ મલ્હોત્રા, યોગેન્દ્ર ચંદોલિયા અને કમલજીત સેહરાવતને દિલ્હી યુનિટના નવા જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ ટીમની જાહેરાત ભાજપના દિલ્હી એકમના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કરી છે.

૮ સચિવોમાં બાંસુરી સ્વરાજ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મદન લાલ ખુરાનાના પુત્ર હરીશ ખુરાના અને ઈમ્પ્રીત સિંહ બક્ષીનો સમાવેશ થાય છે. બાંસુરી સ્વરાજે તાજેતરમાં જ પોતાની રાજકીય સફર શરૂ કરી હતી. બાંસુરીને દિલ્હીના બીજેપી યુનિટના લીગલ સેલના સહ-સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નવનિયુક્ત આઠ ઉપાધ્યક્ષોમાં વિષ્ણુ મિત્તલ, દિનેશ પ્રતાપ સિંહ, ભૂતપૂર્વ મેયર લતા ગુપ્તા અને ભૂતપૂર્વ મહિલા મોરચા પ્રમુખ યોગિતા સિંહનો સમાવેશ થાય છે. સતીશ ગર્ગને પાર્ટીના નવા કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. લક્ષ્મી નગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અભય વર્માને ભાજપના દિલ્હી એકમના મુખ્ય પ્રવક્તા તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.

આ સાથે જ પ્રવીણ શંકર કપૂરને મીડિયા વિભાગના વડાની જવાબદારી સોંપવામાં આવી છે. વિક્રમ મિત્તલ મીડિયા સંબંધોને લગતા મુદ્દાઓ પર ધ્યાન આપશે. શિખા રાજ, વીરેન્દ્ર બબ્બર, વિક્રમ બિધુરી, શુભેન્દુ શેખર અવસ્થી, અજય સેહરાવત અને પ્રીતિ અગ્રવાલ ભાજપના દિલ્હી એકમના નવનિયુક્ત ૧૧ પ્રવક્તાઓમાં સામેલ છે.

રિચા પાંડે મિશ્રા દિલ્હી ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હશે. પાર્ટીના યુવા નેતા નિખત અબ્બાસને યુવા મોરચાના મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ભાજપના ભૂતપૂર્વ દિલ્હી એકમના પ્રમુખ મનોજ તિવારીએ નવી ટીમને યુવાન અને મહેનતુ નેતાઓનું મિશ્રણ ગણાવ્યું.