Ahmedabad : અમદાવાદના ઈસનપુર (Isanpur) વિસ્તારમાં વિધર્મી યુવકો દ્વારા એક બાદ એક 2 છેડતીની ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસે બંને વિધર્મી શખ્સોને ઝડપી પાડ્યા છે. છેડતીની ઘટનાઓને પગલે ઈસનપુર વિસ્તારમાં આખી રાત પોલીસનો કાફલો (police convoy) તહેનાત રાખવો પડ્યો હતો. છેડતીની પ્રથમ ઘટના આવકાર હોલ પાસેની છે. જ્યાંથી પસાર થઈ રહેલી યુવતીના હાથમાંથી યુવકે મોબાઈલ ઝૂંટવી લીધો હતો. જે બાદ ભારે હોબાળો મચી ગયો હતો. આસપાસ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આક્રોશમાં આવેલા લોકોએ યુવકને મેથીપાક ચખાડવાની તૈયારીમાં જ હતા કે ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી.
પોલીસ યુવકને લોકોથી બચાવીને પોલીસ મથકે લઈ ગઈ હતી. જ્યાં યુવતીએ છેડતી સહિત જુદી-જુદી કલમો હેઠળ યુવક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસને મળેલી ફરિયાદ પ્રમાણે યુવક-યુવતી સ્કૂલમાં સાથે ભણતા હતા. ત્યારથી યુવક યુવતીનો પીછો કરતો હતો અને યુવતીને પરેશાન કરતો હતો. બંને એકબીજાને ઓળખતા હતા. તો બીજીતરફ મોડી રાત્રે ઈસનપુરમાં જ છેડતીની બીજી એક ઘટના સામે આવતાં પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ હતી. વટવા, મણિનગર અને દાણીલીમડાની પોલીસ ઈસનપુરમાં ખડકી દેવાઈ હતી.