ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પાંચ મેચની ટી20 સિરીઝની પ્રથમ મેચ આજે બ્રાયન લારા સ્ટેડિયમ, ત્રિનિદાદમાં રમાઈ હતી. જેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને ચાર રને પરાજય આપ્યો છે. આ જીત સાથે વિન્ડીઝની ટીમ 5 મેચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 145 રન બનાવી શકી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શુભમન ગિલ માત્ર 3 રન બનાવી અકીલ હુસેનનો શિકાર બન્યો હતો. ઈશાન કિશન (6) ઓબેડ મેકોયે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. સૂર્યકુમાર યાદવે 21 બોલનો સામનો કરતા 21 રન ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ જેસન હોલ્ડરનો શિકાર બન્યો હતો.
તો ટી20 ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર તિલક વર્માએ કેટલાક આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. તિલકે 22 બોલમાં ત્રણ સિક્સ અને બે ચોગ્ગા સાથે 39 રન બનાવ્યા હતા. તિલક વર્મા શેફર્ડનો શિકાર બન્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા 19 બોલમાં 19 રન બનાવી જેસન હોલ્ડરનો શિકાર બન્યો હતો. સંજૂ સેમસન 12 બોલમાં 12 રન બનાવી રનઆઉટ થયો હતો.
અક્ષર પટેલ 11 બોલમાં એક સિક્સ સાથે 13 રન બનાવી આઉટ થયો હતો. અક્ષરને મેકોયે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. કુલદીપ યાદવ 9 બોલમાં 3 રન બનાવી આઉટ થયો હતો. અર્શદીપ સિંહ 12 રન બનાવી રનઆઉટ થયો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ માટે બેન્ડન કિંગ અને કાયલ મેયર્સે ઈનિંગની શરૂઆત કરી હતી. બંનેએ 4 ઓવરમાં 29 રન બનાવી લીધા હતા. ત્યારબાદ પાંચમી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે બોલિંગ સંભાળી હતી. ચહલે એક ઓવરમાં બંને ઓપનરને LBW આઉટ કરી પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. કિંગ 28 અને મેયર્સ 1 રન બનાવી આઉટ થયો હતો.
જે ચાર્લ્સ માત્ર 3 રન બનાવી કુલદીપનો શિકાર બન્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન રોવમેન પોવેલે સૌથી વધુ 48 રન ફટકાર્યા હતા. પોવેલે 32 બોલનો સામનો કરતા 3 સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તો નિકોલસ પૂરને 34 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 41 રન બનાવ્યા હતા. હેટમાયર 10 રન બનાવી આઉટ થયો હતો.
ભારત તરફથી અર્શદીપ અને ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય કુલદીપ યાદવ અને હાર્દિક પંડ્યાને એક-એક સફળતા મળી હતી.