નડિયાદ, માતર તાલુકાના પુનાજની સગીરાને ફોસલાવીને ભગાડી જઈ દુષ્કર્મ ગુજારવામાં આવ્યુ હતુ. આ કેસ સ્પે.પોકસો કોર્ટ નડિયાદમાં ચાલી જતાં ન્યાયધિશે આરોપીને દસ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.35 હજારના દંડનો હુકમ કર્યો છે.
આરોપી વિશાલભાઈ વાલજીભાઈ વાઘેલા(દેવીપુજક)તા.14 જુન 2020ના રોજ સાંજે પુનાજ ગામની સીમમાંથી સગીરાને ફોસલાવીને પટાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઈ સગીરા પર અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગે સગીરાના વાલીએ લીંબોસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ચાર્જશીટ રજુ કરી હતી. આ અંગેનો ટ્રાયલ નડિયાદના સ્પે.જજ.(પોકસો)એસ.પી.રાહતકરની કોર્ટમાં સ્પે.પોકસો કેસ ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વી.ઠાકુર તથા પી.આર.તિવારીની દલીલો તેમજ કુલ 14 સાહેદોના પુરાવા અને કુલ 37 દસ્તાવેજી પુરાવાઓ વગેરે ઘ્યાનમાં લઈ સમાજના ગુના ઓછા બને તેમજ સગીર દિકરીઓ ઉપર બળાત્કારના કિસ્સાઓ બંધ થાય વગેરે કારણોને ઘ્યાને લઈ આરોપીને જુદી જુદી કલમ હેઠળ સજાનો હુકમ કરેલ છે. જેમાં ઈ.પી.કો.કલમ 363 મુજબના ગુનામાં તકસીરવાર ઠરાવી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ. 5 હજાર અને જો દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા ઈપીકો કલમ 366 મુજબના ગુનામાં સાત વર્ષની કેદની સજા તથા રૂ.10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ઈપીકો કલમ 376(2)(એન)મુજબના ગુનામાં દસ વર્ષની કેદની સજા તથા રૂ.10 હજાર દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે માસની કેદની સજા, પોકસો એકટ કલમ 5(એલ)6 મુજબનજા ગુનામાં તકસીરવાન ઠેરવી દસ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂ.10 હજાર અને જો દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.