રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Droupadi Murmu) ગુરુવારે મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ ‘ઉત્કર્ષ’ અને ‘ઉન્મેષ’નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી પણ ઉપસ્થિત રહ્યા હતા. ‘ઉન્મેષ’ ઉત્સવ એ એશિયાનું સૌથી મોટું સાહિત્યિક સંમેલન છે, જેનું આયોજન આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે.
‘ઉન્મેષ’નું પ્રથમ વખત આયોજન હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી આવૃત્તિ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કરવામાં આવી રહી છે. આ વખતે દેશભરમાંથી 575 જેટલા લેખકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. 3 થી 6 ઓગસ્ટ દરમિયાન ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ‘ઉન્મેષ’નું આયોજન કરવામાં આવ્યું છે. ‘ઉન્મેષ’ એ ભારતનો સૌથી સમાવેશી સાહિત્ય ઉત્સવ છે અને ભાષાઓનું પ્રતિનિધિત્વના મામલે એશિયાનો સૌથી મોટો સાહિત્ય ઉત્સવ છે.
ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના 75 થી વધુ કાર્યક્રમોમાં 100 ભાષાઓના 575 થી વધુ લેખકો ભાગ લઈ રહ્યા છે. ભારત ઉપરાંત અન્ય 13 દેશોના લેખકો પણ ફેસ્ટિવલમાં ભાગ લેશે. ‘ઉન્મેષ’ની આ બીજી આવૃત્તિ છે. પહેલો કાર્યક્રમ જૂન 2022માં શિમલામાં યોજાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આંતરરાષ્ટ્રીય લિટરેચર ફેસ્ટિવલમાં ભારત અને વિદેશના મહત્વના લેખકો, વિદ્વાનો, પત્રકારો, અનુવાદકો, પ્રકાશકો, સંસ્કૃતિકર્મી, નાટ્યકર્મી અને ફિલ્મ નિર્માતાઓ ભાગ લઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે ‘ઉન્મેષ’ની દરેક આવૃત્તિમાં અમે નવા વિષયો ઉમેરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી લેખકોના નવા જૂથને ચર્ચામાં ભાગ લેવાની તક મળે અને તેમની સર્જનાત્મકતાને નવી દિશા મળી શકે. ‘ઉત્કર્ષ’ ઉત્સવમાં દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 800 કલાકારો લોક અને આદિવાસી પર્ફોર્મિંગ કલાઓને રજૂ કરશે.