રાજસ્થાનમાં મોદી, મધ્યપ્રદેશમાં અમિત શાહ, છતીસગઢમાં નડ્ડા ચુંટણી સુકાન સંભાળશે

  • દક્ષિણના રાજયો તેલંગાણામાં સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષને જવાબદારી, સંસદનું સત્ર પુરુ થતા જ તમામને ખાસ ટાસ્ક પર મોકલી દેવાશે.

આ વર્ષના અંતે યોજાનારી ધારાસભા ચૂંટણીઓ 2024નો ટોન નિશ્ર્ચિત કરશે અને તેથી જ હવે ભારતીય જનતા પક્ષે ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢ માટે ખાસ યોજના બનાવી છે. ડિસેમ્બર માસમાં આ ત્રણ રાજયો ઉપરાંત મિઝોરામ અને તેલંગાણામાં પણ ધારાસભા ચૂંટણીઓ છે અને દક્ષિણના રાજયો તેલંગાણા માટે ભાજપે હાલમાં જ પ્રદેશ પ્રમુખ સહિતના સંગઠન પદાધિકારીઓ પણ બદલ્યા છે

પરંતુ રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોટ એ ભાજપનો પુરી તાકાતથી મુકાબલો કરશે તે નિશ્ચિત છે તો મધ્યપ્રદેશમાં ચાર ટર્મની એન્ટીઈન્કમબન્સીનું મોટુ પોટલુ ભાજપ પર લદાઈ ગયું છે અને મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ સામે પક્ષમાં પણ અનેક નેતાઓની નારાજગી છે અને તેથી જ હવે ભાજપે રાજસ્થાનમાં ચૂંટણીની કમાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશ તથા છતીસગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ સંભાળશે તે નિશ્ચિત થઈ ગયું છે.

હાલમાં જ ભાજપે તેના ટોચના નેતાઓને આ રાજયોમાં પ્રભારી તરીકે નિયુક્ત કર્યા તે પણ મોદી-શાહની કીચન કેબીનેટના સભ્યો જ છે. તેલંગાણામાં ભાજપે રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ.સંતોષને જવાબદારી સોંપી છે. છતીસગઢમાં અમીત શાહની સાથે જે.પી.નડ્ડા પણ સુકાન સંભાળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં એનડીએના સાંસદોના જૂથને મળી રહ્યા છે અને હવે તા.8ના રોજ રાજસ્થાનના તમામ 28 સાંસદોની સાથે દિલ્હીમાં એક બેઠક યોજશે જેમાં લોકસભાના 24 તથા રાજયસભાના ચાર સાંસદો જે ભાજપના છે તેઓને ખાસ ટાસ્ક સોંપાશે. એવું પ્રથમ વખત બન્યું છે કે, કોઈ વડાપ્રધાન ચુંટણીમાં કોઈ એક રાજય પર ફોકસ કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપને આંતરિક પરીસ્થિતિ વધુ ગુંચવણભરી લાગે છે અને તેથી અમિત શાહને હવાલો સોંપાઈ ગયો છે.

વડાપ્રધાન મોદી તા.25-26 ઓગષ્ટના રાજયોમાં ભાજપના ધારાસભ્યો સાથે પણ સીધો સંવાદ કરશે. રાજસ્થાનમાં છેલ્લા બે દશકામાં 2003, 2008, 2013 અને 2018માં વસુંધરા રાજે સીએમ ફેશ હતા. 2018માં અમિત શાહ, વસુંધરા રાજે અને પ્રદેશ અધ્યક્ષ અશોક પરનામી એ સુકાન સંભાળ્યું હતું પણ હવે ગેહલોટ સામે સીધા મોદી ટકકર ઝીલશે.

રાજસ્થાનમાં ત્રણ મોટા ધર્મસ્થાનમાંથી ભાજપની રેલી યોજવાની તૈયારી છે તો વડાપ્રધાનને ફીડબેક આપવા માટે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને ખાસ નિયુક્ત કરાયા છે. મધ્યપ્રદેશમાં શિવરાજ ચૌહાણની સામે ભાજપમાં જ અનેક પ્રતિસ્પર્ધી છે અને ખાસ કરીને ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા શિવરાજ ચૌહાણ માટે વધુ એક ટર્મ નહી હોય તે નિશ્ચિત બની રહ્યું છે અને તેથી જ પક્ષમાં ચુંટણી જીતીને મુખ્યમંત્રી પદ માટેની સ્પર્ધા વધી ગઈ છે. છતીસગઢમાં ભાજપને હજુ કોંગ્રેસ સરકાર વધુ મજબૂત હોવાનું લાગે છે અને તેથી જે.પી.નડ્ડા ઉપરાંત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને જવાબદારી સોંપાઈ છે.

2014 અને 2019માં ભાજપે તમામ 24 લોકસભા બેઠકો જીતી હતી. કોંગ્રેસમાં પાઈલોટ જૂથે બે વાર બળવો કર્યો છે અને તેથી પક્ષમાં હજુ વધુ એક બળવાની ચિંતા છે.રાજસ્થાનમાં કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો અને પુર્વ મંત્રી રાજેન્દ્ર ગુઢા એ ગેહલોટના ભ્રષ્ટાચાર અંગે બહાર પાડેલી લાલ ડાયરી ભાજપ માટે સૌથી મોટુ આક્રમણનું શસ્ત્ર પુરવાર થઈ શકે છે. મણીપુરની માફક જ રાજસ્થાનમાં મહિલા સાથે ગેંગરેપનો મુદો ભાજપ ચગાવી રહ્યું છે.

રાજસ્થાનમાં તા.1 ઓગષ્ટના રોજ ભાજપે સચીવાલયને ઘેરાવનો એક મોટો કાર્યક્રમ તૈયાર કર્યો હતો પરંતુ જો આ કાર્યક્રમમાં પક્ષના કાર્યકર્તાઓનો દરિયો ન સર્જાય તો જુસ્સો ઘટશે તેવા સંકેત મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.31 જુલાઈના સાંજે ટવીટ કરીને તમામ નાના-મોટા નેતાઓને આ વિધાનસભા ઘેરાવમાં સામેલ થવા તથા તેમના કાર્યકર્તાઓને પણ જોડવા માટે અપીલ કરવી પડી હતી અને તેના કારણે આ ઘેરાવ સફળ રહ્યો હતો.

કોંગ્રેસના પીઢ નેતા રાજયમાં લોકપ્રિય છે તેમને સચીન પાઈલોટ સિવાય આંતરિક સંઘર્ષનો સામનો ઓછો કરવો પડી રહ્યો છે અને પાઈલોટને પણ તેઓએ મેનેજ કર્યા છે તો તેમણે મોંઘવારીને શસ્ત્ર બનાવીને ભાજપ સામે ઉગામ્યું છે. મોંઘવારી રાહત મેળામાં દરેક પરિવારને આવશ્યક ચીજોની કીટ દર મહિને અપાઈ છે. ગેસ સીલીન્ડર રૂા.500માં આપવાનું કહ્યું છે. વિજળીના બિલમાં રાહત આપી છે અને રાઈટ ટુ હેલ્થ હેઠળ દરેકને તબીબી સારવાર મફત કરવાનો પ્લાન અમલમાં મુકયો છે. જો કે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સતા બદલવાનો રિવાજ છે. ઉપરાંત તેમની સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોમાં લાલ ડાયરી એ ચિંતા કરાવશે.