રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓના ટાર્ગેટ પર ’જન્માષ્ટમી’નો તહેવાર હતો

રાજકોટ, રાજકોટની સોની બજારમાંથી ત્રણ આતંકવાદીઓ ઝડપાતા એકબાજુ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો બીજી બાજુ સોની બજારના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રાજકોટમાંથી ઝડપાયેલા આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પૂછપરછમાં જણાવા મળ્યું છે કે આતંકીઓ સ્થાનિક મોડ્યુલ તૈયાર કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર આતંકી હુમલાને અંજામ આપવાની તૈયારી કરી રહ્યા હતા. આ ત્રણેય આતંકીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી છદ્ભ-૪૭ ચલાવવાની તાલીમ લેતા હતા. એટલું જ નહીં આ આતંકીઓએ પિસ્તોલ સહિતના અન્ય હથિયારો પણ ખરીદ્યા હોવાની શંકા છે. આગામી દિવસોમાં ત્રણેય આતંકીઓને રાજકોટ લાવીને વિશેષ તપાસ કરાશે.

ગુજરાત એટીએસએ સાળા-બનેવી સહિત વધુ ૩ શખ્સોની અટકાયત કરી છે. ૧૨ શકમંદોની પૂછપરછ કરતા સ્થાનિક મોડ્યુલની વિગતો પણ મળી આવી છે. મોબાઈલ ફોનની તપાસ કરતા અન્ય શંકાસ્પદ સંપર્કો મળી આવ્યા છે. ૩ આતંકી સાથે વધુ ૨ હેન્ડલર અંગે પણ પ્રાથમિક માહિતી મળી છે. આ ૩ આતંકી પૈકી ૨ આતંકી રેલવે સ્ટેશન પર રેકી કરતા હતા.

રાજકોટમાં આતંકીઓ ઝડપાતા પોલીસ સફાળી જાગી ગઈ છે અને તંત્ર એલર્ટ થઈ ગયું છે. આતંકીઓની ધરપકડ બાદ હવે બંગાળી કારીગરોના આઈકાર્ડ ઈશ્યૂ કરાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી બીજા પ્રાંતમાંથી આવેલા કારીગરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાશે. વેપારીઓએ તમામ કારીગરોની માહિતી પોલીસને આપવી પડશે. રજિસ્ટ્રેશન બાદ કારીગરોને આઇડી કાર્ડ અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસની ટીમે બે સોમવારે રાજકોટની સોની બજારમાંથી સેફ નવાઝ, અબ્દુલ્લા અલી શેખ અને અમન અલી સિરાજ નામના ત્રણ આતંકીઓને ઝડપી લીધા હતા. આ તમામ સોની બજારમાં કામ કરતા હતા અને અલકાયદા નામના આતંકી સંગઠન સાથે મળીને સ્થાનિક સ્તરે આતંકી પ્રવૃત્તિઓને ફેલાવીને યુવાનોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. તેઓની પાસેથી અનેક વાંધાજનક સાહિત્ય સહિત એક પિસ્તોલ અને ૧૦ કારતુસ મળી આવ્યા હતા.