- પાટણના દર્શિલ ઠક્કર નામના યુવાનનું અમેરિકામાં મૃત્યુ
- ડોક્ટરની સલાહને ધ્યાને લઈ અંતિમ સંસ્કાર અમેરિકામાં કરાશે
- દર્શિલ ઠક્કરના માતા-પિતા સહિત ચાર સભ્યો અમેરિકા રવાના
અમેરિકામાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પાટણના દર્શિલ ઠક્કરના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ કરવામાં આવશે. જેથી દર્શિલ ઠક્કરના માતા-પિતા સહિત ચાર સભ્યો અમેરિકા જવા રવાના થયા છે. મહત્વનું છે કે, ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયેલા દર્શિલને રોડ ક્રોસ કરતી વખતે કારચાલકે અડફેટે લીધો હતો. જેમાં તેનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું.
રોડ ક્રોસ કરતી વખતે કારે મારી ટક્કર
ગુજરાતના પાટણ શહેરનો રહેવાસી દર્શિલ ઠક્કર 4 મહિના માટે ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા ગયો હતો. ગત 29 જુલાઈના રોજ અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ મિત્ર સાથે ફરવા નીકળ્યો હતો. અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં દર્શિલ સિગ્નલ બંધ હતું ત્યારે રોડ ક્રોસ કરી રહ્યો હતો, આ દરમિયાન અચાનક સિગ્નલ ચાલું થઈ ગયું હતું. આ દરમિયાન એક કારે દર્શિલને ટક્કર મારી હતી અને પછી 14 જેટલી ગાડીઓ તેના ઉપરથી પસાર થઈ ગઈ હતી. આ અકસ્માતમાં દર્શિલ ઠક્કરનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.
મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોક
મિત્રએ જ ગુજરાતમાં દર્શિલના પરિવારજનોને તેના મૃત્યુના દુઃખદ સમાચાર આપ્યા હતા. દર્શિલના મોતના સમાચાર મળતા જ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જે બાદ પરિવારજનોએ મૃતદેહને ભારત લાવવા માટે અધિકારીઓ સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ મૃતદેહની હાલત ખરાબ હોવાને કારણે તેને ભારત મોકલવો સંભવ નથી. જેથી દર્શિલના માતા-પિતા સહિત ચાર સભ્યો અમેરિકા જવા રવાના થયા છે.
ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયો હતો દર્શિલ
મહત્વનું છે કે, પાટણનો દર્શિલ ટુરિસ્ટ વિઝા પર ચાર મહિના માટે અમેરિકા ફરવા ગયો હતો અને તે 26 સપ્ટેમ્બરના રોજ ઘરે પરત આવવાનો હતો. આ પહેલા જ તેનું અમેરિકામાં અકસ્માતમાં મોત નિપજ્યું છે.