બોલિવૂડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈના મોત બાદ અક્ષય કુમારે OMG 2ની રિલીઝ ડેટ લંબાવી દીધી છે. અક્ષયની આગામી ફિલ્મનું ટ્રેલર બુધવારે રિલીઝ થવાનું હતું. જો કે ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં નીતિન દેસાઈના નિધનના સમાચાર આવ્યા છે. લગાન, દેવદાસ, જોધા અકબર જેવી અનેક ફિલ્મોમાં આર્ટ ડાયરેક્ટર રહી ચૂકેલા નીતિન દેસાઈએ આત્મહત્યા કરી હોવાના સમાચાર મળતાં અક્ષય કુમાર હચમચી ગયા હતા. તેમણે તરત જ ફિલ્મના ટ્રેલરની રિલીઝ પોસ્ટપોન કરી હતી. હવે આ ટ્રેલર ગુરુવારે સવારે 11 કલાકે રિલીઝ થશે.
અક્ષય કુમારે ટ્વિટ કરતાં લખ્યું હતું કે, નીતિન દેસાઈના નિધન અંગે જાણીને ઊંડો આઘાત લાગ્યો છે. તેઓ પ્રોડક્શન ડિઝાઈનના દિગ્ગજ હતા અને અમારી સિનેમા બિરાદરીનો મહત્ત્વનો ભાગ હતા. તેમણે મારી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ઈન્ડસ્ટ્રી માટે આ મોટું નુકસાન છે. આ દુઃખને જોતં અમે આજે OMG 2નું ટ્રેલર રિલીઝ નથી કરતાં. કાલે સવારે 11 કલાકે ટ્રેલર લોન્ચ થશે. ઉલ્લેખનીય છે કે, ધાર્મિક લાગણીને ઠેસ પહોંચવાની આશંકાના પાછલા ઘણાં સમયથી OMG 2 વિવાદમાં રહી છે. અગાઉ સેન્સર બોર્ડે 20 જેટલા કટ્સ સાથે ફિલ્મને UA સર્ટિફિકેટ આપવા તૈયારી દર્શાવી હતી.
જો કે ફિલ્મમાંથી સેક્સ એજ્યુકેશનને લગતા દૃશ્યો દૂર કરવાની મેકર્સની ઈચ્છા ન હતી. બીજી બાજુ સેન્સર બોર્ડ પણ આ મામલે સાવચેત હતું. ફિલ્મમાં કાપકૂપ નહીં કરવાના મેકર્સને આગ્રહને સેન્સર બોર્ડે સ્વીકાર્યો છે. જો કે તેના માટે આ ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ આપવાના બોર્ડના નિર્ણયને ફિલ્મની ટીમે ગ્રાહ્ય રાખ્યો છે. લાંબી ખેંચતાણ બાદ આખરે આ ફિલ્મ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે.