મધ્ય પૂર્વના દેશોમાં આકરી ગરમી પડી રહી છે. ઈરાનમાં ‘અભૂતપૂર્વ’ ગરમીના મોજાને ધ્યાનમાં રાખીને, સરકારે મંગળવારે (1 ઓગસ્ટ) બે દિવસની જાહેર રજાની જાહેરાત કરી છે. આ દરમિયાન શાળાઓ, બેંકો અને તમામ સરકારી કચેરીઓ સંપૂર્ણપણે બંધ રહેશે. ઈરાની મીડિયા અનુસાર, વૃદ્ધો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
સરકારના પ્રવક્તા અલી બહાદોરી જોહરામીએ IRNA દ્વારા જણાવ્યું હતું કે, “સરકારની કેબિનેટે, આરોગ્ય મંત્રાલયની સંમતિથી, જાહેર આરોગ્યની સુરક્ષા માટે બુધવાર અને ગુરુવારને સમગ્ર દેશમાં રજા તરીકે જાહેર કરવાનો નિર્ણય લીધો છે.”
છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ ઈરાનના દેહલોરાનમાં સૌથી વધુ 25⁰ સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દરમિયાન, દક્ષિણના શહેર અહવાઝમાં ગયા અઠવાડિયે 121⁰F (51⁰ સેલ્સિયસ) તાપમાન નોંધાયું હતું. દક્ષિણપૂર્વીય પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનમાં વધતા તાપમાન અને ધૂળના તોફાને તાજેતરના દિવસોમાં 1,000 લોકોને હોસ્પિટલમાં મોકલ્યા છે.
સરકારી જાહેરનામા મુજબ, સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી હીટસ્ટ્રોકનું જોખમ રહેલું છે. એટલા માટે લોકોને સવારે 10 થી સાંજના 4 વાગ્યા સુધી ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. તે જ સમયે, કર્મચારીઓના કામના કલાકોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને પાવર ગ્રીડને નુકસાન ન થાય તે માટે, કર્મચારીઓ સૂર્યાસ્ત પહેલા કામ શરૂ કરી દે છે. નોંધનીય છે કે જૂન મહિનામાં પણ કાળઝાળ ગરમીને કારણે સમગ્ર દેશમાં શટડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
તે જાણીતું છે કે હવામાન પરિવર્તનના કારણે સમગ્ર વિશ્વ ભારે ગરમીનો સામનો કરી રહ્યું છે. ગયા મહિને જુલાઈ મહિનાને હજાર વર્ષમાં સૌથી ગરમ મહિનો જાહેર કરવામાં આવ્યો છે. જુલાઈમાં એશિયા, યુરોપ અને અમેરિકા સહિત વિશ્વના તમામ દેશો આકરી ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.