મુંબઇ, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ અને કાકા શરદ પવાર એક છે. તેમણે કહ્યું કે બંને એક પરિવાર તરીકે સાથે છે અને રાજકીય નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ ૭ જુલાઈના પુણે ખાતે યોજાયેલા લોકમાન્ય તિલક એવોર્ડ સમારોહમાં કાકા-ભત્રીજા સ્ટેજ પર એક્સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.
શિરુરમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુરાવ પચાર્નેના સ્મારકનું અનાવરણ કરવા આવેલા અજિત પવારે કાકા શરદ પવાર સાથેના સંબંધો વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘મને યાદ છે કે ચૂંટણી વખતે પોપટરાવ (શરદ પવાર) સાહેબના ઉમેદવાર હતા અને બાબુરાવ મારા ઉમેદવાર હતા. એનો અર્થ એ નથી કે અમે અલગ હતા. અમે ત્યારે પણ અલગ નહોતા અને હવે પણ અલગ નથી. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
તેમણે કહ્યું, ‘પરિવાર એ પરિવાર છે. જ્યારે મારા કાકી (શરદ પવારની પત્ની પ્રતિભા)ની સર્જરી થઈ ત્યારે હું તેમને મળવા ગયો હતો. અમારો રાજકીય અભિપ્રાય અલગ હોઈ શકે છે, પરંતુ પરિવાર વચ્ચેની ચર્ચા અલગ બાબત છે.
૨ જુલાઈએ જ અજિત ભાજપ-શિવસેના સરકારમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી બન્યા. ત્યારથી, એનસીપીના બંને જૂથો તેમના અગ્રણી નેતાઓ સામે તીવ્ર શાબ્દિક ટીપ્પણી ટાળી રહ્યા છે. ભૂતકાળમાં અજીત, પ્રફુલ પટેલ સહિતના કેટલાક નેતાઓ પણ સિનિયર પવારને લગભગ ત્રણ વખત મળવા પહોંચ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં પણ બંને પક્ષોના નેતાઓ એકબીજા સાથે વાત કરતા અને એકબીજાને ગળે મળતા જોવા મળ્યા હતા.
મહાવિકાસ અઘાડીની પાર્ટીઓ એટલે કે કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પીએમ મોદી સાથે સ્ટેજ શેર કરવા પર નારાજ જોવા મળે છે. એક તરફ ઉદ્ધવ ઠાકરેની સેનાએ પવારના કાર્યક્રમમાં હાજરી આપવા પર આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું. તે જ સમયે, પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું હતું કે, ‘બિન-સરકારી સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવી ખોટું નથી.’