ગુજરાતમાં સાત દિવસમાં ૨૭૨૩ નબીરા દારૂ ઢીંચી ગાડી ચલાવતા પોલીસને હાથે પકડાયા

  • અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલના અકસ્માત બાદ ગુજરાત પોલીસ ઊંઘમાંથી જાગી છે.

રાજ્યમાં 7 દિવસમાં 2723 નબીરા દારૂ પીને વાહન ચલાવતા પકડાયા છે. તેથી હવે ના કહેતા ગુજરાતમાં દારૂબંધી છે, સરકાર સ્વીકારે કે ગુજરાતમાં ફૂલ દારૂ વેચાય છે અને પીવાય પણ છે. કારણ કે, ગુજરાતભરમાં 7 દિવસમાં પોલીસે 2,732 નબીરા દારૂ ઢીંચીને વાહન ચલાવતા પકડાયા એ જીવતો જાગતો પુરાવો છે. પોલીસની ડ્રાઈવના તો રીતસરના ધજાગરા ઉડી રહ્યાં છે. જો તથ્ય પટેલ અકસ્માત ન થયો હોય તો ગુજરાત પોલીસ આટલી એક્ટિવ પણ ન બની હોત, અને આટલા દારૂડિયા પણ પકડાયા ન હોત.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલના અકસ્માત બાદ ગુજરાત પોલીસ ઊંઘમાંથી જાગી છે. રાતોરાત અભિયાન ચલાવ્યું. 22 જુલાઈથી અત્યાર સુધીના પ્રથમ સપ્તાહમાં આખા ગુજરાતમાંથી કુલ 2723 નબીરા દારૂ પીતા પકડાયા છે. આ નબીરા બેફામ દારૂ પીને ગાડીઓ હંકારતા હતા.  

રાજ્યમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યાં છે. ટ્રાફિક નિયમોના ભંગના કેસમાં 85 ટકાનો વધારો થયો છે. ગત જુલાઈ કરતાં ભંગના 85 ટકા કેસ વધ્યા છે. જુલાઈ મહિનામાં ટ્રાફિક નિયમ ભંગના 701 કેસ નોંધાયા હતા. આ પર આરટીઓ અને ટ્રાફિક વિભાગે સ્થળ પર જ કાર્યવાહી કરી હતી. તથ્યકાંડ પછી ટ્રાફિક પોલીસે હાથ ધરેલી ઝુંબેશની અસર દેખાઈ રહી છે. તો જુલાઈ 2022માં ટ્રાફિક નિયમ ભંગના 384 કેસ નોંધાયા હતા.

મહત્વનું છે કે ઈસ્કોન બ્રિજ પર અકસ્માત પછી ટ્રાફિક પોલીસે  ડ્રાઈવ ચાલુ કરી છે. જેના કારણે આરટીઓમાં મેમો ભરવા માટે સવારથી સાંજ વાહન ચાલકોની ભીડ જોવા મળી રહી છે. લાંબી લાઈનના કારણે આરટીઓમાં વધારાના કાઉન્ટર પણ બનાવવામાં આવ્યા છે.    

ઈસ્કોન અકસ્માત પછી પોલીસે 1450થી વધુ કેસ કર્યા છે. રાજ્યમાં ઓવર સ્પીડના 20,737 કેસ નોંધાયા છે. 22 થી 31 જુલાઈ સુધી ગુજરાત પોલીસની ચાલેલી ડ્રિંક એન્ડ ડ્રાઈવના 60થી વધુ કેસ નોંધાયા છે. ઓવર સ્પીડ અને સ્ટંટ કરતાં 265થી વધુ કેસ નોંધાયા છે. પ્રોહિબિશનના 210થી વધુ કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં અમદાવાદ, રાજકોટ અને સુરત મોખરે છે. 

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર કરોડપતિ પ્રજ્ઞેશ પટેલના દીકરા તથ્ય પટેલે 9 લોકોનો ભોગ લીધો હતો. જેના પછી પોલીસ તંત્રે રાજ્યભરમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે ડ્રાઈવ શરૂ કરી છે. આ ખાસ અભિયાનના એક જ અઠવાડિયામાં પોલીસને મોટી સફળતા મળી છે. 22 જુલાઈથી 31 જુલાઈ સુધીમાં રાજ્યમાંથી 2723 નબીરા દારૂ ઢીંચીને બેફામ બની કાર, બાઈક હંકારતા પોલીસના હાથે પકડાયા છે. ઈસ્કોન બ્રિજ પર રાજ્યના સૌથી મોટા અકસ્માત પછી પણ વાહનચાલકો સુધરવાનું નામ લેતા નથી અને બેફામપણે ઓવર સ્પીડમાં કાર અને બાઈક ચલાવતાં જોવા મળે છે. ત્યારે આવા લોકો સામે પોલીસ કોઈ મોટી કાર્યવાહી કરે તેવી લોકમાગણી ઉઠી છે. પોલીસ જો આવી ડ્રાઈવ ચાલુ રાખે તો અનેક બેફામ વાહન ચાલકો સકંજામાં આવી શકે છે. પોલીસ આવી ડ્રાઈવ ચાલુ રાખશે તો અનેક અકસ્માત પણ અટકી શકે છે.