શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સમાં ૯૫૦ પોઇન્ટનો કડાકો થતાં રોકાણકારોના ૫ લાખ કરોડ સ્વાહા

મુંબઇ, શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. ફિચે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો છે. ૨૦૧૧ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ એજન્સીએ વિશ્ર્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રેટિંગમાં ઘટાડો કર્યો છે. બુધવારે વિશ્ર્વભરના શેરબજારોમાં તેની વ્યાપક અસર જોવા મળી હતી. સ્થાનિક શેરબજારો પણ નુક્સાન સાથે ખુલ્યા હતા. જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ તેમાં વધુ ઘટાડો થયો.ભારતીય શેર બજારમાં સેન્સેક્સ-નિફ્ટી આજે ૧ ટકાના ઘટાડા સાથે બંધ થયા. ઑટો, બેંક, રિયલ્ટી અને તેલ-ગેસમાં પણ ૧ ટકાનો ઘટાડો આવ્યો છે.બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વેપારના અંતમાં ૩૦ શેર પર આધારિત બીએસઇ સેન્સેક્સ ૬૭૬.૫૩ પોઈન્ટ અથવા ૧.૦૨ ટકા તૂટીને ૬૫૭૮૨.૭૮ પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૦૭.૦૦ પોઈન્ટ અથવા ૧.૦૫ ટકા તૂટીને ૧૯૫૨૬.૫૦ પર બંધ થયો છે.

બીએસઇનો ૩૦ શેરવાળો સેન્સેક્સ લગભગ ૧,૦૦૦ પોઈન્ટ ઘટીને ૬૬,૫૦૦ની નીચે ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (નિફ્ટી ) પણ ૧૯,૫૦૦ની નીચે આવી ગયો હતો. બપોરે ૨.૧૫ વાગ્યે સેન્સેક્સ ૯૭૦.૨૫ પોઈન્ટ્સ અથવા ૧.૪૬ ટકાના ઘટાડા સાથે ૬૫,૪૮૯.૦૬ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ ૩૦૩.૬૦ પોઈન્ટ અથવા ૧.૫૪ ટકા ઘટીને ૧૯,૪૨૯.૯૫ પર હતો. આ ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનું નુક્સાન થયું છે.

આ તરફ તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. સૌથી મોટો ઘટાડો બેન્કિંગ અને મેટલ શેરોમાં આવ્યો છે. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, હીરો મોટો, આઈશર મોટર્સ અને કોલ ઈન્ડિયાના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. રિલાયન્સ અને બેન્કના શેરમાં પણ લગભગ ૧.૫ ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૨૭ શેરો ઘટાડા પર છે.

એશિયાના અન્ય બજારોમાં સાઉથ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઘટ્યા હતા. મંગળવારે યુએસ બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા છે. વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૫ ટકા વધીને ૮૫.૬૩ ડોલર પ્રતિ બેરલ પર હતું. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો એ મંગળવારે નેટ રૂ. ૯૨.૮૫ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

મંગળવારે યુએસ શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક ૦.૪૩ ટકા અને ડાઉ જોન્સ ૦.૩૩ ટકા ઘટ્યા છે. યુએસ રેટિંગ ડાઉનગ્રેડના સમાચાર પર એશિયન બજારોમાં ઘટાડો થયો હતો. જાપાનનો નિક્કી અને ચીનનો હેંગસેંગ બે ટકા તૂટ્યો હતો. નિફ્ટી જુલાઈમાં સતત પાંચમા મહિને હકારાત્મક નોંધ પર રહ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં બજાર ૧૩ ટકાથી વધુ વયું છે. આથી કેટલાક રોકાણકારો પ્રોફિટ બુકિંગમાં રોકાયેલા છે. તેના કારણે પણ બજારમાં ઘટાડો થયો હતો.