અમીર અને ગરીબ વચ્ચે વધી રહી છે આર્થિક અસમાનતાની ખાઈ, દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો અમીરોના હાથમાં

નવીદિલ્હી,માત્ર ભારત જ નહિ રઢિયા અને બ્રાઝીલ જેવા દેશોમાં પણ આર્થિક અસમાનતા જોવા મળે છે.દિવસે ને દિવસે ગરીબ વ્યક્તિ ગરીબ થતો જાય છે ને અમીર વ્યક્તિ અમીર થતો જાય છે. દેશની કુલ સંપતિનો મોટો ભાગ અમીરોના હાથમાં છે.

આર્થિક અસમાનતામાં આ તફાવત રશિયા, બ્રાઝિલ અને ભારતમાં વધુ છે. ટોચના એક ટકા ધનિકો રશિયાની સંપત્તિના લગભગ ૫૯ ટકા પર નિયંત્રણ કરે છે. બ્રાઝિલમાં આ હિસ્સો ૫૦ ટકાની નજીક છે. જ્યારે ભારતમાં આ આંકડો ૪૦ ટકાથી થોડો વધારે છે.

વ્યક્તિઓ વચ્ચે આવક અને સંપત્તિનું અસમાન વિતરણ મોટાભાગના દેશોમાં જોવા મળે છે. દેશની કુલ સંપત્તિનો મોટો હિસ્સો પસંદ કરેલા અમીરોના હાથમાં હોય છે. વિશ્ર્વભરમાં ૨,૬૪૦ અબજોપતિ છે. આ સંખ્યા ૧૯૮૭ની સરખામણીમાં ૧૯ ગણી છે. અબજોપતિઓની સંખ્યાના સંદર્ભમાં વિશ્ર્વમાં ભારત ત્રીજા, રશિયા પાંચમા અને બ્રાઝિલ ૧૧મા ક્રમે છે.

ડિજિટલીકરણ જેવી તકનીકી પ્રગતિએ બજારો અને બિઝનેસ મોડલ બદલ્યા છે અને કામમાં ફેરફાર થવાને કારણે આવકની અસમાનતા વધી છે. વૈશ્ર્વિકીકરણે ઓછા કુશળ કામદારોના વેતન અને નોકરીઓ પર પ્રતિકૂળ અસર કરી છે. સંવેદનશીલ નીતિઓનો અભાવ સમસ્યાને વધુ ઘેરી બનાવી રહ્યો છે.

રશિયામાં ભ્રષ્ટાચાર અને ધનિકો માટે ઓછા કર જેવા પરિબળોએ અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારી દીધું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં તફાવત, કરવેરાની અયોગ્ય પ્રણાલી અને શિક્ષણના સ્તરમાં ઘટાડો બ્રાઝિલને અસર કરે છે.

બે દાયકા પહેલા ૧ ટકા મૂડીવાદીઓ દેશની ૩૩ ટકા સંપત્તિ પર નિયંત્રણ રાખતા હતા. ૨૦૦૫માં પસંદગીના ધનિકો પાસે ૪૨ ટકા મિલક્ત હતી. જે ૨૦૨૦માં ૪૦.૫ ટકા અને ૨૦૨૧માં ૪૦.૬ ટકા ભારતના સૌથી ધનિક ૧ ટકા પાસે હતી. વૈશ્ર્વિક નાણાકીય કટોકટી કોરોના રોગચાળાની અસર પણ જોવા મળી રહી છે જ્યારે જંગી રોકાણો ધનિકોની સંપત્તિમાં વધુ વધારો કરી રહ્યા છે.