ગાંધીનગર : મોંઘવારીનો માર વધુ એકવાર ગુજરાતની જનતા પર પડ્યો છે. કારણ કે, રાજ્ય સરકારે ST બસના ભાડામાં વધારો કર્યો છે. 10 વર્ષ બાદ એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો થયો છે. આજથી આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. હવેથી લોકલ બસમાં પ્રતિ કિમીએ 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરાયા છે. GSRTCએ બસના ભાડામાં વધારો કરતા હવે મુસાફરોએ એસ ટી બસમાં મુસાફરી માટે વધુ ભાડું ચૂકવવું પડશે. આ વાત તો થઈ નાગરિકોની. જનતાને એસટી બસમાં મુસાફરી કરવી હશે તો વધુ રૂપિયા આપવા જ પડશે. પરંતુ શુ તમને ખબર છે, સરકારે પોતાના કાર્યક્રમો માટે એસટી બસો વાપરીને કરોડોનું ભાડુ ચૂકવ્યુ નથી.
આપણા ખિસ્સામાંથી રૂપિયા ખંખેરવા સરકારને માત્ર એક જાહેરાત કરવાની જરૂર પડે છે. એક જાહેરાત થઈ અને બીજા દિવસથી ભાવ વધારો લાગુ. પછી એ દૂધ હોય, શાકભાજી હોય, પેટ્રોલ હોયે કે પછી ગેસ સિલિન્ડર હોય. પરંતુ રાજ્ય સરકારે 53.81 કરોડ એસટી બસ ભાડુ હજી સુધી ચૂકવ્યુ નથી. વિવિધ લોકાર્પણ કાર્યક્રમો, સરકારી કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા સરકારે 34,614 એસટી બસો ભાડે રાખી હતી. પોતાના કાર્યક્રમોમાં બાપના જાગીરની જેમ બસો વાપરીને સરકારે પોતે જ કરોડોનું ભાડુ ચૂકવવાનું બાકી રાખ્યું છે.
ગુજરાત સરકારે હજી સુધી એસટી નિગમને બાકી 53.81 કરોડ રૂપિયા ચૂકવ્યા નથી. કોઈ પણ સરકારી યોજનાનો ઉદઘાટન સમારોહ હોય, સરકારી કાર્યક્રમ હોય, ભૂમિપૂજન હોય કે લોકાર્પણ કર્યો હોય. આ કાર્યક્રમોમાં ભીડ ભેગી કરવા માટે સરકારને પ્રયાસો કરવા પડે છે. આ માટે ભાજપના ધારાસભ્યોથી લઈને કાર્યકરોને સભા સ્થળ સુધી લાવવા લઈ જવા માટે એસટી બસોની મદદ લેવામાં આવે છે. વિધાનસભામાં ખુદ રાજ્ય વાહન વ્યવહાર વિભાગે જણાવ્યુ કે, રાજ્ય સરકારે એસટી નિગમના 53.81 કરોડ ચૂકવ્યા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિવિધ સરકારી કાર્યક્રમોમાં લોકોને લાવવા લઈ જવા માટે સરકારે 34,614 એસટી બસો ભાડે લીધી હતી. અત્યાર સુધી સરકારે માત્ર ત્રણેક કરોડ ભાડુ ચૂકવ્યુ છે. પરંતુ 53.81 કરોડ હજી ભરવાના બાકી છે.
ઉપરથી જો કોઈ સરકારી કાર્યક્રમો હોય, અને તેના માટે બસ ફાળવવાની હોય ત્યારે કેટલાક રુટની એસટી બસો બંધ કરાય છે. જેને કારણે મુસાફરો રખડી પડે છે. આની જવાબદારી કોણ લે. સરકારી કાર્યક્રમો માટે ક્યારેક એક હજાર જેટલી બસો પણ ભાડે લેવાય છે. તેમાં ગણો બસ દીઠ કેટલાય મુસાફરો તે દિવસે અટવાઈ જતા હોય છે.