વોશિગ્ટન, સ્વીડનમાં ફરી એકવાર પવિત્ર કુરાનની અપમાનનો મામલો સામે આવ્યો છે. સોમવારે સ્ટોકહોમમાં સ્વીડનની સંસદની બહાર બે વિરોધીઓએ કુરાનના પાના ફાડી નાખ્યા અને સળગાવી દીધા હતા.
હાલના અઠવાડિયામાં આ ત્રીજું પ્રદર્શન છે. તે જ સમયે, સ્વીડનના વડા પ્રધાનની ચેતવણી બાદ આ પ્રથમ પ્રદર્શન છે. વડા પ્રધાને ચેતવણી આપી હતી કે ઇસ્લામના પવિત્ર પુસ્તકનું અપમાન કરીને વિરોધીઓ સ્વીડનને આતંકવાદનું મુખ્ય નિશાન બનાવી રહ્યા છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઇસી)એ કુરાનની વારંવાર અપવિત્રતા અંગે સ્વીડન અને ડેનમાર્કના પ્રતિભાવની ટીકા કરી હતી.
અહેવાલ મુજબ સોમવારે સલવાન મોમિકા અને સલવાન નજેમ નામના વ્યક્તિએ સંસદની બહાર પવિત્ર કુરાનનું અપમાન કર્યું હતું. ત્યાર બાદ તેણે પુસ્તકના કેટલાક પાના સળગાવી દીધા હતા. મોમિકા એક ખ્રિસ્તી ઇરાકી શરણાર્થી છે. બંનેએ અગાઉ ઈદ-ઉલ-અઝહાના અવસર પર સ્ટોકહોમની ગ્રાન્ડ મસ્જિદની બહાર કુરાનની નકલ સળગાવી હતી. આ ઘટના પર વિશ્ર્વભરના મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ ઘટનાના વિરોધમાં ઘણા દેશોમાં લોકોએ દેખાવો પણ કર્યા હતા.
થોડા વર્ષો પહેલા મોમિકાએ સ્વીડનમાં રાજકીય આશ્રય લીધો હતો. જુલાઈમાં તેણે સ્વીડનની રાજધાનીમાં ઈરાકના દૂતાવાસની બહાર પવિત્ર કુરાનની પણ અપવિત્ર કરી હતી. તેના જૂતા સાફ કરવા માટે પણ ઈરાકી ધ્વજ નો ઉપયોગ કર્યો હતો. આ બે ઘટનાઓ બાદ મુસ્લિમ દેશોમાં સ્વીડિશ દૂતાવાસોને નિશાન બનાવી વિરોધ પ્રદર્શનો થયા હતા. આને ધ્યાનમાં રાખીને સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને ગયા અઠવાડિયે કહ્યું હતું કે તેઓ ખૂબ જ ચિંતિત છે. કારણ કે આવા પ્રદર્શનો માટે સતત પરવાનગી માંગવામાં આવી રહી છે.
વડા પ્રધાને સ્વીડનની એજન્સીને જણાવ્યું હતું કે સ્વીડિશ સુરક્ષા સેવાએ પહેલેથી જ કહ્યું હતું કે દેશ લાંબા સમયથી આતંકવાદી જૂથોના નિશાન પર છે. પરંતુ હવે આવી ઘટનાઓ તેને પ્રાથમિક નિશાન બનાવી રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે વાણી સ્વાતંત્ર્યનો અધિકાર બંધારણમાંથી મળે છે. સ્વીડિશ પોલીસ કોઈપણ પ્રદર્શનને ફક્ત ત્યારે જ પ્રતિબંધિત કરી શકે છે જો સમાન પ્રદર્શન અગાઉ જાહેરમાં ખલેલ પહોંચાડે. ઓઆઇસીના મહાસચિવ હુસૈન ઇબ્રાહિમ તાહાએ સ્વીડન અને ડેનમાર્કને ઇસ્લામિક વિશ્ર્વ માટે આ મુદ્દાની ગંભીરતા અને સંગઠનના દેશો સાથેના સંબંધો પર તેની અસરો પર વિચાર કરવા હાકલ કરી હતી.