ગોધરા,
રાજ્યભરમાં હાલ કોરોનાની બીજી લહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યમાં ધરખમ વધારો જોવા મળ્યો છે તો તેને લઈને આવા દર્દીઓ માટે ઇન્જેક્શન હોય કે દવા તમામની અછત સર્જાતા લાંબી લાંબી કતારો પણ રાજ્યના મોટા ભાગના શહેરોમાં જોવા મળી રહી છે ત્યારે આવા સમયે ગોધરા શહેરમાં આયુષ તબીબીઓ દર્દીઓ માટે દેવદૂતની ભૂમિકામાં જોવા મળ્યા છે , એક તરફ દર્દીઓના પરિજનો દવા-ઇન્જેક્શન માટે વલખા મારી રહ્યા છે. જયારે ગોધરા શહેરના દર્દીઓને આ તબીબીઓની ટીમ દ્વારા જરૂરી દવા નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ભારત દેશ તેના સંસ્કારો થી આખી દુનિયામાં જાણીતું છે વાસુદેવ કુટુંબકમ ની ભાવના ધરાવતા ભારત દેશે આખી દુનિયા ને શીખવ્યું છે ત્યારે છેલ્લા એક વર્ષ થી હાહાકાર મચાવનાર કોરોના મહામારીમાં કોઈ ને કોઈ પ્રકારની સહાય ની ભાવના સાથે ઘણા સમાજ સેવીઓ આગળ આવ્યા છે અને દેશ માં એક બીજાના દુ:ખમાં ભાગીદાર હોવા ની પ્રતીતિ કરાવતા દાખલા આપ્યા છે. ત્યારે હાલ ના કોરોના ના પહેલા રાઉન્ડ થી લઈ ને બીજા રાઉન્ડ સુધી લગાતાર પંચમહાલ ના આયુષ તબીબો ની એક ટીમ લગાતાર કોરોના ના દર્દીઓ ની સહાય માટે સતત દિવસ રાત તત્પર રહેલ જોવા મળે છે. કોરોના ના પ્રથમ રાઉન્ડ માં હોમીઓપેથી દવાઓ ના ડોઝ જે કોરોના થી બચવા ઇમ્યુનિટી બુસ્ટર તરીકે અસરકારક સાબિત થયા છે કે આયુર્વેદ ના ઉકાળા હોય જિલ્લા ની મોટા ભાગ ની પ્રજા ને નિ:શુલ્ક પહોંચાડવા આયુષ તબીબો ની આ ટીમ સતત કાર્યરત રહેલ જણાતી હતી.
આયુષ તબીબના ડો. શ્યામ સુંદર શર્મા હોય કે ડો. વિજય પટેલ તેઓની ટીમ દ્વારા કોરોના ના આ કપરા સમય માં એક પણ રૂપિયા ની આશા રાખ્યા વગર સતત કામે લાગ્યા હતા એટલું જ નહીં કોરોના નો હાઉ દર્દીઓ ના મન માં ઘર ના કરી જાય એ માટે દર્દીઓ અને તેઓ ના સગાઓ ને કાઉન્સિલિંગ કરી હકારાત્મક અભિગમ રાખવા સમજાવવા નું કામ પણ આ તબીબો ની ટીમ હજુ કરી રહી છે, એક તરફ રેમડેસીવીર ઇંજેક્શન હોય કે ફેબીપીરાવીર નામની ટેબ્લેટ હોય તેની અછત સર્જાતા તે કાળા બજાર માં ઉંચા ભાવે વેચાઈ રહેલ છે. ત્યારે આ તબીબો ની ટીમ ફેબીપીરાવીર બનાવતી કંપનીઓ નો સમ્પર્ક કરી દવાઓ મંગાવી ને દર્દીઓ ને તદ્દન નિ:શુલ્ક પહોંચતી કરે છે. જે આજ દિન સુધી ગોધરામાં કાર્યાન્વિન છે.
ગોધરા અને તેની આસપાસના કોરોના ના દર્દીઓ જેણે આ તબીબો ની સેવા નો લાભ લીધો એ ખુબજ પ્રભાવિત છે કે આજે મોટી મોટી હોસ્પિટલમાં લાખો કમાવવાની રેસમાં ડોક્ટર અને દર્દીઓ વચ્ચે લાગણીઓ નો સબંધ પૂરો થઈ જતો જણાય છે. ત્યારે ગોધરાના આ આયુષ તબીબો નું કામ સાચા અર્થ ભગવાન ની તુલના માં બેસાડે એવું લાગી રહ્યું છે.