પાક-ચીન પીઓકેમાંથી પસાર થતા સીપીઇસીની ૧૦મી વર્ષગાંઠ ઉજવશે:આતંકવાદી હુમલા વચ્ચે ચીનના વાઇસ-પ્રીમિયરનું સ્વાગત

ઇસ્લામાબાદ, ૨૦૧૩માં ચીન અને પાકિસ્તાને બંને દેશો વચ્ચે વેપાર વધારવા માટે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (સીપીઇસી)ની શરૂઆત કરી હતી. આ કોરિડોર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઇ) હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે સીપીઇસી અને બીઆરઆઇએ દસ વર્ષ પૂર્ણ કર્યા છે.

ચીન અને પાકિસ્તાનનો સીપીઇસી પ્રોજેક્ટ પીઓકેમાંથી પસાર થાય છે. જેના કારણે ભારતે આના પર સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ પ્રોજેક્ટ્સની ૧૦મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે એક તરફ ચીનના વાઇસ પ્રીમિયર એટલે કે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર લિફેંગ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. ઈસ્લામાબાદના રસ્તાઓ પર ચીન અને પાકિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા છે. ઘણા વિસ્તારોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તે જ સમયે, પાકિસ્તાનમાં રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં ૪૪ લોકોનાં મોત થયા હતા.

સીપીઇસી હેઠળ, ચીન પાકિસ્તાનમાં ટ્રાન્સપોર્ટ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ૬૦ બિલિયન (લગભગ રૂ. ૪.૯ લાખ કરોડ)નું રોકાણ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં આના પર લગભગ ૪૦ અબજ ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઈસ્લામાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર અઝીમ ખાલિદનું કહેવું છે કે અત્યાર સુધી મિશ્ર પરિણામો જોવા મળ્યા છે.

શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રોજેક્ટથી બલૂચિસ્તાનના લોકોને ફાયદો થશે. જોકે, આ દાવો ખોટો નીકળ્યો. પરિણામે, બલૂચ અલગતાવાદી સંગઠન બીએલએએ સીપીઇસી પ્રોજેક્ટ્સ પર ઘણા હુમલા કર્યા. આ હુમલાઓને રોકવા માટે સરકારે ત્યાં એકે ૪૭ સાથે હજારો સૈનિકો તૈનાત કરવા પડ્યા.