રાયપુર, છત્તીસગઢમાં કરોડોના દારૂના કૌભાંડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ મામલામાં નોઈડાના કસ્ના પોલીસ સ્ટેશનમાં છત્તીસગઢના સ્પેશિયલ સેક્રેટરી એક્સાઈઝ, એક્સાઈઝ કમિશનર (આઈએએસ) સહિત ૫ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આમાં ૧૨૦૦ કરોડના કૌભાંડનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) રાયપુરમાં તૈનાત ડેપ્યુટી ડાયરેક્ટર હેમંતે રવિવારે રિપોર્ટ દાખલ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ઈડી છત્તીસગઢમાં કરોડોના દારૂના કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે અસલ અને ડુપ્લિકેટ બંને હોલોગ્રામ નોઇડા સ્થિત કંપનીમાં દારૂના સિન્ડિકેટ સાથે મળીને બનાવવામાં આવ્યા હતા. આ હોલોગ્રામ વિધુ ગુપ્તાની નોઈડા સ્થિત પ્રિઝમ હોલોગ્રાફી સિક્યુરિટી ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડ ફેક્ટરીમાં બનાવવામાં આવ્યા હતા. આ કંપનીને હોલોગ્રામ બનાવવાનું ટેન્ડર ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યું હતું.
દરેક હોલોગ્રામ માટે ૮ પૈસા કમિશન લેવામાં આવતું હતું.એવો આરોપ છે કે નોઈડાની ફેક્ટરીમાં ડુપ્લીકેટ હોલોગ્રામ બનાવીને સિન્ડિકેટ ઓપરેટરોને લઈ જવામાં આવ્યા હતા. જે બાદ છત્તીસગઢમાં નકલી હોલોગ્રામ લગાવીને દેશી દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવતું હતું.
હોલોગ્રામની સંખ્યા સિન્ડિકેટની વિનંતી મુજબ પ્રિન્ટ કરીને મોકલવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ૫ વર્ષમાં ૮૦ કરોડ હોલોગ્રામ પ્રિન્ટ કરવાનો કરાર થયો હતો. હોલોગ્રામ નોઈડાની ફેક્ટરીમાં પ્રિન્ટ કરીને રોડ માર્ગે છત્તીસગઢ લઈ જવામાં આવ્યો હતો. આરોપ છે કે આ કૌભાંડમાં છત્તીસગઢના સરકારી તિજોરીને ૧૨૦૦ કરોડનું નુક્સાન થયું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈડીએ તપાસ દરમિયાન પીએચએફએસ નોઈડા ફેક્ટરીમાંથી ૨૦૨૧માં ડુપ્લિકેટ હોલોગ્રામ જપ્ત કર્યા છે. ED અનુસાર, આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે તેઓ નકલી હોલોગ્રામ છાપીને આ કૌભાંડમાં સામેલ હતા. નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અરુણ પતિ ત્રિપાઠી, વિશેષ સચિવ આબકારી, નિરંજન દાસ આબકારી કમિશનર, અનિલ તુટેજા (આઈએએસ) વિધુ ગુપ્તા અને અનવર દેહબર વિરુદ્ધ કલમ ૪૨૦, ૪૬૮, ૪૭૧, ૪૭૩, ૪૮૪, ૧૨૦-બી નોંધવામાં આવી છે. ક્સણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.