નવીદિલ્હી, રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદે રવિવારે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા વર્ષની લોક્સભાની ચૂંટણી હારવાથી ચિંતિત છે અને વિદેશમાં સેટલ થવા માટે જગ્યા શોધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવે આ ટિપ્પણી ત્યારે કરી હતી, જ્યારે તેમને થોડા દિવસો પહેલાં વડાપ્રધાન મોદીએ વિપક્ષી પાર્ટીઓ પર ભ્રષ્ટાચાર, ભત્રીજાવાદ અને તુષ્ટિકરણની રાજનીતિના નવા ગઠબંધન “ભારત” ની રચના કરવાનો આરોપ લગાવ્યો હતો, તેના પર કમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું. “મોદી ભારત છોડવાનું પ્લાનિંગ કરી રહ્યા છે, આ જ કારણ છે કે તેઓ ઘણા બધા દેશોની મુલાકાત લઈ રહ્યા છે. તેઓ એવી જગ્યા શોધી રહ્યા છે જ્યાં તેઓ આરામથી રહી શકે અને પિઝા, મોમોઝ અને ચાઉ મેનો આનંદ માણી શકે.
ઉલ્લેખનીય છે કે, લાલુ પ્રસાદ યાદવની ગંભીરથી ગંભીર મુદ્દા પર રમૂજના ઉપયોગથી પરિસ્થિતિને હળવી કરવાની ક્ષમતા સુપ્રસિદ્ધ રહી છે. તેમના મોટા પુત્ર અને બિહારના મંત્રી તેજ પ્રતાપ યાદવ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં લાલુ પ્રસાદે ઘણા સમય બાદ જાહેરમાં હાજરી આપી હતી.