નસવાડીના હરખોડમાં ખાનગી મકાનમાં ચાલતી પ્રાથમિક શાળાનુ દોઢ વર્ષથી ભાડું બાકી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડે આવેલા હરખોડ ગામે સરકારી તંત્રની બેદરકારી, અસંવેદનશીલતા અને તુમારશાહીનો સણસણતો પુરાવો સામે આવ્યો છે. આદિવાસી સમાજના બાળકોને શિક્ષિત કરવાના અને બેટી બચાવો, બેટી પઢાવોના મસમોટા બેનરો લગાવીને વાહ વાહી લુંટતુ શિક્ષણ વિભાગ વાસ્તવકમાં કેટલુ નાદાર અને ભ્રષ્ટ છે તેની પોલ ખોલી છે.

હરખોડ ગામે પ્રાથમિક શાળા જર્જરિત બનતા શાળા તોડી પાડવામાં આવતા જેને લઈ બાળકો શાળા વગરના બનતા ગામના વ્યક્તિને પોતાનુ પાકું મકાનમાં ગામના બાળકો ભણે તે માટે આપી દીધુ હતુ. જેઓ પોતે પોતાના પરિવાર સાથે કાચા મકાનમાં રહેવા જતા રહ્યા હતા. પરંતુ આ લાજ-શર્મ વગરનુ તંત્ર હરખોડના ૫૪ ભુલકાઓ માટે દોઢ વર્ષની નવી શાળા ઉભી કરી શકયુ નથી. નવાઈની વાત તો એ છે કે, નવી શાળા બનાવવી તો દુર રહી, બાળકો રઝળી ન પડે તે માટે જે ખાનગી મકાનનો સહારો લેવાયો છે તેનુ ભાડું ચુકવવામાં પણ સરકારી બાબુઓની દાનત નથી. શિક્ષણ વિભાગ દ્વારા દોઢ વર્ષથી મકાન માલિકને ભાડું ચુકવવામાં આવ્યુ નથી. મકાન માલિક શાંતિ ડુંગરા ભીલે પોતાના આદિવાસી સમાજના બાળકોનુ ભવિષ્ય ન બગડે તે માટે દરીયાદિલ રાખી પોતાનુ ધર સોંપ્યુ હતુ. પરંતુ આ અંધેરી નગરીના ગાંડુ રાજા જેવા તંત્રએ દોઢ વર્ષથી એક ‚િ૫યો પણ ભાડું નહિ ચુકવીને હવે બાળકો રોડ ઉપર આવે તેવી સ્થિતિ કરી દીધી છે. હાલ તો મકાન માલિકમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણની પુરતી સુવિધા હજુ પહોંચી નથી. તેના વરવો નમુનો ફરી સામે આવ્યો છે.