- વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે એએસઆઇને જ્ઞાનવાપી પરિસર વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો.
લખનૌ, ઉત્તર પ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મુદ્દો ફરી એકવાર ગરમાવા લાગ્યો છે. જણાવી દઈએ કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપતા એમને કહ્યું હતું કે, ’જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે તો વિવાદ થશે.’ આ સાથે જ સીએમ યોગીએ એમ પણ પૂછ્યું હતું કે, ’ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને નથી રાખ્યો’ ઉપરાંત એમનું એમ પણ માનવું છે કે આ મામલે મુસ્લિમ પક્ષે આગળ આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ઐતિહાસિક ભૂલ થઈ છે, અમે તે ભૂલનો ઉકેલ ઈચ્છીએ છીએ.
સીએમ યોગીને એક વાતચિત દરમિયાન જ્ઞાનવાપી વિશે પૂછવામાં આવેલા પ્રશ્ર્નના જવાબમાં કહ્યું કે જો જ્ઞાનવાપીને મસ્જિદ કહેવામાં આવે છે, તો વિવાદ થશે. જેને ભગવાને દ્રષ્ટિ આપી છે એ જુઓ કે ત્રિશુલ મસ્જિદની અંદર શું કરે છે? અમે તેને રાખ્યો નથી. ત્યાં જ્યોતિર્લિંગ છે, દેવતાઓ છે. ત્યાંની દિવાલો બૂમો પાડીને શું કહી રહી છે? મને લાગે છે કે મુસ્લિમ પક્ષ તરફથી પ્રસ્તાવ આવવો જોઈએ કે સાહેબ, આ એક ઐતિહાસિક ભૂલ થઈ છે, અમને એ ભૂલનો ઉકેલ જોઈએ છે.’’
સીએમ યોગી આદિત્યનાથે જ્ઞાનવાપી મુદ્દે કહ્યું કે સરકાર જ્ઞાનવાપી વિવાદનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે પણ દેખીતું છે કે જ્ઞાનવાપી મુદ્દે ઐતિહાસિક ભૂલ થઈ છે. એટલા માટે તેને મસ્જિદ કહેવું ખોટું હશે. જ્ઞાનવાપીના એએસઆઇ સર્વે કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પહેલા ૩ ઓગસ્ટના રોજ સીએમ યોગી આદિત્યનાથના નિવેદનને હવે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
એ વાત તો નોંધનીય છે કે વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે એએસઆઇને જ્ઞાનવાપી પરિસર વિવાદિત વજુ ખાના ભાગ સિવાયના તમામ વિસ્તારોના સર્વેનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મસ્જિદ સમિતિ વતી સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. સર્વેને અટકાવતા સુપ્રીમ કોર્ટે મામલો હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. હાઈકોર્ટે સુનાવણી પૂર્ણ કરી છે અને એએસઆઇ સર્વે અંગે નિર્ણય આવવાનો છે. આ મામલે રાજકારણ ગરમાયું છે.એક તરફ સમાજવાદી પાર્ટીના સ્વામી પ્રસાદ મૌર્યએ બૌદ્ધ મંદિરો તોડીને હિન્દુ મંદિરો બનાવવાનું નિવેદન આપ્યું છે તો હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનું એક મોટું નિવેદન સામે આવ્યું છે.