અમદાવાદમાં દિકરાના ઘરે રોકાવા આવેલા ખેડબ્રહ્માના વેપારી પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, ૧૫ લાખની ચોરી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં વેપારીના મકાનમાં તસ્કરો ત્રાટકતા 15 લાખ રુપિયાની મત્તાની ચોરી કરી ગયા છે. તસ્કરોએ ઘરના દરવાજાના તાળા તોડીને તસ્કરો ઘરમાંથી 6 લાખ રુપિયા રોકડા અને 9 લાખ રુપિયાની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડ સહિતની ટીમો બોલાવીને ચોરીની કડીઓ મેળવવા માટે પ્રયાસ કર્યો છે.

સ્થાનિક ખેડબ્રહ્મા પોલીસે ઘટના અંગે ફરીયાદ નોંધીને ચોરીની એમઓ આધારે કડીઓ મેળવવા માટે પ્રાથમિક તપાસ શરુ કરી છે. આ ઉપરાંત ટેકનિકલ અને ડોગસ્ક્વોડ ટીમોની પણ મદદ લેવામાં આવી છે.

શહેરની કેટી હાઈસ્કૂલ વિસ્તારમાં રેડીમેડ કપડાનો સ્ટોર ધરાવતા વેપારી સુધીર કોઠારીના ઘરે તસ્કરોએ ત્રાટકીને મોટી મત્તાની ચોરી કરી છે. સુધીરભાઈનો પુત્ર અમદાવાદ રહેતો હોઈ તેઓ ગત સોમવારે અમદાવાદ ગયા હતા. રાત્રી દરમિયાન તેઓ પુત્રના ઘરે રોકાયા હતા. આ દરમિયાન રાત્રીના અરસા દરમિયાન તસ્કરો તેમના ઘરે ત્રાટક્યા હતા. ઘરના દરવાજાનુ તાળુ તોડીને તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. ઘરમાં ઘૂસીને તિજોરી તોડી અંદર રાખેલ રોકડ રકમ અને ઘરેણાંની ચોરી કરી હતી.

ઘરમાં રાખેલ 6 લાખ રુપિયાની દરની રોકડ રકમ હતી જેને તસ્કરોએ ચોરી કરી હતી. 100 રુપિયાના દરની અને 500ના દરની નોટો તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. આ ઉપરાંત ચાંદીના સિક્કા, પાંચેક જોડી ચાંદીના છડા, તેમજ સોનાનુ એક કડુ, સોનાના બે જોડી પાટલા, સોનાની ચાર નંગ ચેઈન. સોનાની એક લકી, સોનાનુ એક પેંડલ તેમજ 7 નંગ જેટલી સોનાની વિંટીઓ તસ્કરોએ ચોરી કરી હતી. આમ 9 લાખ રુપિયાના ઘરેણાની ચોરી તસ્કરોએ કરી હતી.

શનિવારે આ મામલાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસે નોંધીને શરુ કરી છે. આ માટે ટીમો બનાવીને તસ્કરોને ઝડપી લેવા માટેની કાર્યવાહી શરુ કરી છે. મોટી મત્તાની ચોરીને પગલે ઈડર ડીવાયએસપી સ્મિત ગોહીલ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસને લઈ કાર્યવાહી શરુ કરી હતી.