શહેરા,
શહેરા તાલુકાના ઉમરપુર ગામે લગ્ન પ્રંસગમા ૫૦ માણસોની પરવાનગી સામે ૨૦૦ જેટલા માણસો ભેગા થયા હતા.પાઘડી ની વિધિમાં અચાનક પોલીસ પહોંચી જઈને કાર્યવાહી હાથધરી હતી.કોરોના ના નિયમોનું પાલન નહી થવા સાથે ડીજે સિસ્ટમ વગાડવાનુ ચાલુ રાખીને જાહેરનામાનો ભંગ કરવા બદલ વરરાજાના પિતા વિક્રમ સોલંકી અને ડીજેના ઓપરેટર સામે પોલીસ મથકમાં જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ હતી.
શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના કહેર વચ્ચે લગ્ન પ્રસંગો યોજાઇ રહયા છે. કોરોના ના વધતા જતા કહેર વચ્ચે તાલુકા ના વિસ્તારમાં લગ્ન પ્રસંગ મા ૫૦ થી વધુ લોકો ભેગા થવા સાથે સોશિયલ ડિસ્ટન્સ નુ પાલન નહી થતુ હોવાનું પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નંદલાલ પ્રજાપતિ ને ધ્યાનમાં આવ્યું હતુ. તાલુકા ના ઉમરપુર ગામના ડેરી ફળિયામાં રહેતા વિક્રમસિંહ સોમસિંહ સોલંકી ના પુત્ર સંજયના લગ્ન પ્રંસગમાં ૧૫૦ થી વધુ લોકો એકત્રિત થવા સાથે ડી.જે.સિસ્ટમ પર લોકો નાચી રહયા હતા. બપોર ના સમયે પાઘડીની વિધિમાં કંકોત્રી આપેલ મહેમાનો પણ આ પ્રસંગે હાજરી આપવા આવેલા હતા. વિક્રમ સોલંકી અને તેમના પરીવારજનો તેમજ સગા સબંધીઓ ખુશીની પળો માડી રહયા હતા.ત્યારે અચાનક પોલીસની એન્ટ્રી થઈ હતી. ડીજે સિસ્ટમના ઓપરેટર સુરેશભાઈ રતનભાઈ પગીનુ ડીજે સિસ્ટમ ચાલુ હોવા સાથે ૫૦ની મંજૂરી કરતા વધુ લોકો ભેગા થયેલા નજરે પડ્યા હતા.કોરોના વાયરસને લઈને જાહેરનામુ હોવા છતા વિક્રમસિંહ સોલંકીના ઘરે પાઘડીના પ્રંસગે સરકારના નિયમાનુસાર મંજૂરી મેળવેલ કરતા વધુ એકત્રીત થવા સાથે કોરોનાના ગાઇડલાઈન નુ પાલન થઈ રહયુ નહી હોવાથી પોલીસે વિક્રમ સોલંકી અને દલવાડા ગામના ડી.જે. સિસ્ટમ ના ઓપરેટર સુરેશ પગી સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.